પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૭

નથી તેમાં આ નરરત્ન સુન્દરતા જુવે છે, પવિત્રતા માને છે, ને સત્વ મુકે છે ! ત્હારું કર્તવ્ય એટલું જ કે એની પ્રીતિને – કૃપાને - પાત્ર થવું એ દીવા પેઠે પરમ જ્યોત ધરે તેને માટે એમની વાટ સંકોરવી, ને એમાં તેલ પુર્યા કરવું ! એટલો નિર્દોષ અધિકાર પામી છું તો તે પાળીશ.”

સરસ્વતીચંદ્રને કપાળે હાથ ફેરવતી ઉંચે જોઈ ધીરે સ્વરે ગાવા લાગી;

આકાશના ચંદ્ર ! આ ચંદ્ર ત્હારાથી વધારે છે !
મ્હારે માટે આવું તે આનું વ્હાલ છે,
મ્હારે માટે આવા તે આના હાલ છે !
પુરો શ્રીમાન ને વિદ્વાન આ
મ્હારી પ્રીતિમાં થયો બેહાલ આ !
મને સુઝતાં નથી માતા ને પિતા,
ત્યજ્યા મ્હારે માટે એણે તો પિતા !
ત્યજી લક્ષ્મી, ત્યજ્યાં ગૃહમિત્રને,
શોધી એકલી રંક કુમુદને !
એને માટે ઇચ્છું તે ઓછું પડે,
એને માટે શોધું તે ના જડે.
ચંદ્ર ! તેજ ત્હારું જડ સર્વ છે;
મ્હારા ચંદ્રમાં ચેતન–રસ બધે !”

ગાવું બંધ કરી હાથ ફેરવતી ફેરવતી બેાલ્યા ચાલ્યા વિના બે કલાક એ જ દશામાં બેસી રહી ને પ્રિયમસ્તકનો ભાર એના ખોળાને જણાયો જ નહી. અંતે સરસ્વતીચંદ્ર હાલ્યો, જાગૃત થયો, બેઠો થયો, ને બે જણ સ્વસ્થ થઈ નીચે ગયાં. ઓટલાને એક છેડે એ બેઠો ને બીજે છેડે કુમુદ બેઠી. કુમુદે વાત ક્‌હાડી.

“હવે આપણે મ્હારી વાતો કરવાની કાંઈ બાકી નથી. આપે આપનું આયુષ્યશેષ કેવી પ્રવૃત્તિમાં ગાળવું ધાર્યું તે સમજાવો.

સર૦- ઘણા વર્ષના મ્હારા અભિલાષ સિદ્ધ કરવાનો માર્ગ આ સ્થાને અને તમારા અદ્વૈતે જ મને સુઝાડ્યો છે. મધુરી ! મને એક વાર ક્‌હો - સ્પષ્ટ – અને અંત:કરણ ઉપર વાસેલા આગળા ઉઘાડી – કહી દ્યો કે આપણાં જીવનનો સમાગમ તમે કેવળ સૂક્ષ્મ ઈચ્છો છો કે સ્થૂલ ને સૂક્ષ્મ ઉભય ઇચ્છો છો ? તમે જે માર્ગ ઇચ્છશો તેને અનુકુળ રહી મ્હારી અભિલાષસિદ્ધિ શોધવાનું મને સુઝયું છે.