પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨

તેના સામા યુદ્ધ કરે છે પણ તમારા સામા પક્ષમાં બી. એ. અને એમ. એ. થયેલા ગૃહસ્થો, વકીલો અને ડાક્‌તરો, દીવાનો અને રાજાઓ ભળેલા છે. એ સામા પક્ષની ગર્જના ગરીબ ગુજરાતી રાજ્યોમાંથી તમારા દેશમાં નથી આવી. પણ અમે ગુજરાતી ભાઈઓ તમે મરાઠાઓના દેશવત્સલ ભડકાથી તાપીએ છીએ ને કંઈક ગરમ થઈએ છીએ તે અમારામાંથી રાજકીય વ્યવહારમાંના આ જ્ઞાતિભેદનું શૈત્ય ક્‌હાડવા તમારા ઉચ્ચગ્રાહના તાપનો કંઈક પ્રત્યક્ષસિદ્ધ અંશ આપો; અને અમારા રાજાઓને અને સરકારને ગાળો દેવામાં જેટલાં ઉદ્યોગ અને બળ વૃથાવાહ કરે છે તેમને તમારામાંથી જ એ ભેદ ક્‌હાડવામાં સફળવાહ આપવામાં રોકો, અને પછી જુવો કે દેશી રાજ્યોમાં તે રંગની અસર આવે છે કે નહી ? વીરરાવજી, જો આપણે વિદ્વાન, દેખતા, અને, સુધરેલા છીયે તો તેના પ્રત્યક્ષ પાઠ અશિક્ષિત રાજ્યોમાં આપણા સદ્વર્તનથી આપવો એ – આપણી વિદ્ધત્તા સત્ય હોય તો – એ સત્યને માથે એ ધર્મ પ્રકટ થાય છે. સો ગાળે દીધા કરતાં એક પ્રત્યક્ષ પાઠ અનેકધા સફળ થશે. यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः ॥ જો આપણે શ્રેષ્ઠ હઈએ તો આપણા વર્તનમાંથી સામાનાં વર્તનમાં મુદ્રા પાડો, અને તેમ કરવા અશક્ત હઈએ તો તેના કરતાં આપણી શ્રેષ્ઠતા સિદ્ધ નથી થઈ. That is the fact. What is the use of our wild talks and odious comparisons which only irritate others and lower ourselves ?”

મણિરાજ - “ચંદ્રકાંતજી, તમે બે અમારા અતિથિ છો. આ વિદુરભવનમાં અમારું એક શાસ્ત્ર એવું છે કે વિદ્વાન્ અતિથિઓનાં મનોરાજ્યમાં તરતાં સત્ય ક્‌હાડાવી લઈ લેવાં અને બાકીના ભાગની ઉપેક્ષા કરવી. વીરરાવજીનાં વાકયોમાં જેટલાં સત્ય તરે છે તેનો, ક્રમ આવ્યે, અમારા પ્રધાનજી સત્કાર કરશે. તમને વીરરાવજીના ઉત્સાહમાં અંકુશયોગ્ય ભાગ લાગતો હોય તો એ અંકુશ બતાવવાનું બન્ધુકૃત્ય કરવા વિદુરભવન બ્હાર ઘણો અવકાશ મળશે, પણ હાલ તો એમના તમાર ઉત્સાહના સ્વતંત્ર નિર્ભર આવેગ ઝીલી લેવાને અમે કેટલા સમર્થ છીએ અને કેટલા નથી તેની પરીક્ષા તમ જેવા પાસે આપવા દ્યો, અને તમારા ભણીથી તે પ્રસ્તુત વિષયના સંબંધમાં જે તમારા વિચારના ઉદ્‍ગાર અંકુરિત થાય તેનો ઉપભોગ કરવાનો અવકાશ આપો. અમારાં સ્વરૂપ અને સત્તાને ભુલી, તમારાં ચિત્તને બીલેર જેવાં પારદર્શક – અને તેજના રંગનાં પૃથક્‌કારક – કરી નાંખો; તેમાંના રસના નિર્મલ