પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૮


કુમુદ૦– જો આમ કે તેમ બે વાતને માટે અનુકૂળ માર્ગ આપને સુઝ્યો છે તો આ પ્રશ્ન તેને માટે નકામો નથી ?

સર૦– જો આમ હોય તો એક માર્ગ છે ને તેમ હોય તો બીજો માર્ગ છે. એમ બે જુદા માર્ગ જડે છે માટે પુછવાનું થાય છે.

કુમુદ૦– સ્ત્રીજનના હૃદયનો સ્વભાવ આપ સમજો છો. મ્હારી બુદ્ધિ અનેક નિર્ણય કરી એક નિર્ણય ઉપર આવી છે એ સત્ય છે; પણ સ્ત્રીનાં હૃદય દીવાની જયોત જેવાં છે તેનો શો વિશ્વાસ ? અમારી બુદ્ધિઓ અમારા હૃદયના હાથમાં ને હૃદયનો દીવો ૫વનના હાથમાં. આપના જેવા સમર્થ સત્પુરુષો અમારે માટે જેવાં ફાનસ રચશો તેમાં અમારી શક્તિ પ્રમાણે અમારા હૃદયના દીવા બળશે ને આપને પ્રકાશ આપશે. મ્હારે માટે કેવું ફાનસ આપવું એ આપને સુઝતું ન લાગ્યું માટે જ ચન્દ્રકાન્તભાઈને પુછવા ઉપર રાખ્યું. જ્યારે વ્હાણના પોતાના સ્હડ ચાલતા નથી ત્યારે વહાણવટી ખલાસીઓને હલેસાં મારવા બેસાડે છે. જ્યારે આપણા સ્હડ ન જ ચાલ્યા ત્યારે આપના સન્મિત્રને હલેસાં ઉપર બેસાડવાનું મને સુઝ્યું તે કહ્યું. મને લાગે છે કે હવે આપને જે જુદાજુદા માર્ગ સુઝયા હોય તે સર્વ મને કહી દ્યો. આ વિષયમાં આપના પૌરુષ હૃદયનું તેજ ધારવાને મ્હારું સ્ત્રૈણ હૃદય ઉત્કટ આતુર થઈ ગયું છે. પ્રિય મેઘની વૃષ્ટિને માટે જેમ પૃથ્વી ઉકળે તેમ આપના હૃદયમાંથી થવાની વૃષ્ટિને માટે હું આતુરતાથી ઉકળું છું, ને આપની વૃષ્ટિ કલ્યાણકર જ હશે એવી શ્રદ્ધાથી તેની ધારાઓનું મ્હારા હૃદયકમળમાં આધાન પામવાને માટે સજજ છું.રાત્રિના અન્ધકાર જેવા સંસારના અન્ધકાર આપણી બેની વચ્ચે અંતરાયરૂપ થયા છે તે છતાં આપની રસગર્જના એ અન્ધકારને ભેદી મ્હારા હૃદયમાં સંભળાઈ છે, ને અનેક શોકથી શ્યામ થયેલા મેઘના જેવા આપના તેજને હું રંક પૃથ્વી જેવી નીચેથી દેખું છું ![૧] હવે એ પડદો ચીરી નાંખો ! આપના મનમાં જે પુરુષાર્થનો અભિલાષ ઘણા કાળથી બંધાય છે તે મ્હારા હૃદયમાં રેડી દ્યો ને શાસ્ત્ર પ્રમાણે વિવાહફલનો ઉચ્ચગ્રાહ - આપ દ્યૌ ને હું પૃથ્વી – તે સિદ્ધ કરી દ્યો ! ઓ


  1. ૧. વિશ્વમ્ભરા પ્રિયતમા પ્રિયમેઘ કાજ
    આતુર સજજ થઈ ઉરથી ઉકળે છે;
    આ અન્ધકાર યમતુલ્ય પુડ્યો જ વચ્ચે:
    દેખે ન મઘ અવનિ, અવનિ ન મેઘ.
    એ મેઘ ત્હોય પુરૂષાર્થ ઘણો રચે છે,
    ઉરે જમાવી રસ, ગર્જનને કરે છે,
    એ ગર્જના કરી પ્રતિધ્વનિને શુણે છે,
    ને કૃષ્ણકાય યમ સઉ શુણતો ધ્રુજે છે.
    શુણી પતિતણી ગભીર જ વીરહાક,
    આલ્હાદ પૃથ્વી ધરતી ત્યજતી વિષાદ;
    અત્યન્ત તેજ રસશ્યામ ધરે પયોદ,
    તે પૃથ્વી પ્હોચતું ચીરી પટ અન્ધ સન્ધો !
    સ્નેહ મુદ્રા. કાંડ ૮૨ (શ્લોક ૩૮–૪૦)