પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૩

માળીનું કામ આપણે કરીશું. આપણે આપણાં સૂક્ષ્મ જીવનની લોકયાત્રા આ વિદ્વાનોનાં મન્દિરોમાં ને ઝુંપડાંઓમાં કરીશું. એ લોકનાં ગુપ્ત અને પ્રકટ સ્થાનોમાં અને હૃદયોમાં આપણે આપણી બેની પરિવ્રજ્યા કરીશું અને એ ક્ષેત્રોમાંના અંતરાત્માની સ્થૂલ સૂક્ષ્મ ગતિને જોઈ લેઈશું. આપણા પુરુષવિદ્વાનોમાં હું ફરીશ, ને તેમની સ્ત્રીઓમાં તું ફરજે. તેમની સ્ત્રીઓના આધિ, વ્યાધિ, અને ઉપાધિ તું જોઈ લેજે ને તેમના સ્વામીઓના આધિ વ્યાધિ ઉપાધિ હું જોઈ લેઈશ. આપણે તે બે વર્ગનું તેમના કલ્યાણ માટે ને દેશના ઉદ્ધાર માટે સંયુક્ત સખીકૃત્ય કરીશું. પિતામહપુરમાં જે પ્રતિબિમ્બ જોયાં તેના મૂળ પદાર્થ આપણે જોઈ લેવા. તે પછી તેમનાં જે ઘરમાં જેવાં દુ:ખ હોય તે નષ્ટ કરવા આપણે તેમને શક્તિ આપવી.

એમની સ્ત્રીયો પંડિત થાય, રસજ્ઞ થાય, કુટુમ્બપોષક થાય, સ્વસ્થ થાય, શરીરે બલવતી, રોગહીન અને સુન્દર થાય, યોગ્યતાના પ્રમાણમાં કુટુમ્બબન્ધનમાંથી તેઓ મુકત – સ્વતંત્ર થાય ને તે મુકતતાથી ને સ્વતંત્રતાથી કુટુમ્બની ભુખ ઇચ્છાઓ અને ક્લેશમાંથી છુટી એ કુટુમ્બનાં ખરાં કલ્યાણ કરવા શક્તિમતી અને ઉત્સાહિની બને, કુટુમ્બના બાળકવર્ગને પોષણ અને શક્તિ આપે અને વૃદ્ધ વર્ગની કલ્યાણવાસનાઓને તૃપ્ત કરેઃ– એવા માર્ગ શોધવા ને લેવા તે મહાકાર્ય ગુણસુન્દરીની પ્રિયપુત્રી નહી કરી શકે તો બીજું કોણ કરી શકશે ? એ કાર્યને માટે બબે વર્ષે આપણે પચાશ હજાર રુપીયાના યોગ્ય ભાગ ખરચી શકીશું ! તે છે તો એાછા – પણ ચલાવી લેઈશું.

કુમુદ૦– આપણી સ્ત્રીયો કુટુંબને પરવશ છે.

સર૦- એટલા માટે જ હું વિદ્વાન્ સ્વામીઓની સ્ત્રીયોને આ આશ્રય આપવા ઇચ્છું છું – કે સ્વામીને શક્તિ આપીએ તો તે સ્ત્રીને આપે. સ્ત્રીને રસોડામાંથી અને ગૃહકર્મમાંથી મુક્ત કરવાનાં સાધન વિદ્વાન્ સ્વામીને હોય તો તે સ્ત્રીને મુક્ત કરે, માટે તું જે સ્થાન યોગ્ય ગણે ત્યાં સ્વામીને હું આવાં સાધન આપીશ ને સ્ત્રીને તે સાધનનો ઉપયોગ કરી ઉચ્ચ જીવનમાં પ્રવેશ કરવાની શક્તિ ને વૃત્તિ તું આપજે.

કુમુદ૦- ગૃહનું વૃદ્ધ મંડળ આ વાતનો તિરસ્કાર કરશે ને ઈતર મંડળ આ સ્ત્રીની ઈર્ષ્યા કરશે.

સર૦— એ સર્વ મંડળને પણ આ સાધનનો લાભ મળે તો તેમને પણ આવા જીવનનો લોભ આપણે આપીશું. હું ને તું એકલાં આ સમારંભને