પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩૮

શોધ, નવા પદાર્થ, અને નવાં સુખદુ:ખ પળે પળે પ્રકટ થાય છે, સર્વ લોકની ને પ્રજાઓની શરીરસંપત્તિઓ, સાંસારિક અને રાજકીય વ્યવસ્થાઓ, ધર્મની સંસ્થાઓ, અને સ્થૂલ સૂક્ષ્મ શક્તિયો, આ પાંડવોના ઘોડાએના ખોંખારા અને ખરીયો સંભળાતાં ધ્રુજે છે, બદલાય છે, ને નવીન રૂપ અને પ્રકાશ ધરે છે. આ રથની સાથે ન દોડતી પ્રજાઓ પાછળ પડે છે, ભુખે મરે છે, બુદ્ધિહીન થાય છે, બળહીન થાય છે, પશુ જેવી થાય છે, માટી જેવી થાય છે, નષ્ટ થાય છે – ને અર્જુનના દાવાગ્નિમાં ખાંડવવન પેઠે બળી મરી નષ્ટ થાય છે ! એ સર્વ ચમત્કારોનાં બીજ અને પ્રક્રિયાઓ આપણાં ભવનના વિદ્વાનોએ પ્રાપ્ત કરવાં, ને આ પ્રાચીન દેશના કલ્યાણયોગને માટે પ્રાચીન નવીન યોગવિદ્યાથી એવો પ્રયોગ રચવો કે આ દેશ ખાંડવવનમાં બળવાને સટે અર્જુનને પ્રિય થાય ને એના રથ ઉપરનાં કપિ - આદિ સત્ત્વોના ધારેલા જયધ્વજોનો ધારક થાય.

“એ વિદ્વાનો અર્જુનનાં અસ્ત્રનું સંપાદન કરે તેને માટે આ ભવનોમાં આપણે પુસ્તકશાળાઓ રાખીએ, પ્રયોગશાળાઓ – Laboratories – ની સામગ્રીઓ સંપૂર્ણપણે ભરીએ, કારીગરોની પ્રાચીન કલાઓના જીર્ણોદ્ધારને માટે અને નવીન કલાઓની પ્રાપ્તિને માટે નકુલદેવના સર્વે સંગ્રહના સર્વ ભંડાર વસાવીયે, વ્યાપાર અને ઉધોગના વ્યવહારમાં નિપુણ થવાને પૃથ્વીમાં વપરાતા સર્વ પદાર્થોના નમુના આણીયે, અને પૂર્વ - પાશ્રાત્ય પ્રવૃત્તિઓમાં ભળવાને માટે અંહીના અને બ્હારના વિદ્વાનો અને અનુભવીઓ આ દેશને માટે જે જે વસ્તુનો સંગ્રહ ઉચિત ગણે તે સર્વ વસ્તુઓ આ આપણાં ભવનમાંના વિદ્વાનોના હાથમાં આપણે આપીએઃ આ સર્વ આ સ્થાનમાં આપણું કર્તવ્ય થાય એ મ્હારી કલ્પના અને એ વિદ્વાનો તે વસ્તુઓમાં અને કાર્યોમાં આપણે ખરચેલાં દ્રવ્યનો વ્યય સફળ કરે એ તેમનું ત્રીજું કર્તવ્ય. આ સામગ્રીશાલા સંભૃત કરવી એ મહાન્ વ્યયનું કામ.

“આ વિદ્ધાનોને અને કારીગરોને યોગ્ય , શિક્ષણ, અનુભવ, અને શક્તિ આ દેશમાંની અન્ય શાળાઓમાંથી જેટલાં મળે એટલાં મેળવી રહે તે પછી આ આપણા ગામમાં ર્‌હેવાનો અધિકાર આપવો. તેમને નવા ગુરુ આપવાનું કામ માથે લેવાનું કામ આપણે રાખવું નહી. પણ તેઓ પોતાના વિષયમાં જાતે સ્વતંત્રતાથી ને સ્વાશ્રયથી પ્રવૃત્ત થઈ શકે એટલી વિદ્યા અને બુદ્ધિ તેમને પ્રાપ્ત થાય ત્યારે તેમના પોતાના બળથી