પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૫


આપણા હસ્તગ્રાહ્ય કર્યાં છે તે શક્તિઓને અને સંસ્કારોને શોધી ક્‌હાડી તેના કલ્યાણ અંશનો પરિપાક આપવામાં આ કમાનોને ચલવવી એ કાર્ય મંગળ છે; પણ તે ઉપરાંત બીજી રીતે પોતાની કે પારકી, જાતની કે દેશની, સર્વ અહંતા અને મમતાનો ત્યાગ કર્યાથી જ સાધુતાનો સનાતન ધર્મ ઉદય પામે છે અને એ ધર્મમાં સાધુતા વિનાની બીજી અહંતા મમતા નથી માટે જ ત્યાં સંપ અને જંપનો દૃઢ અનુભવ થાય છે. આપણે સળગાવવાની હુતાશનીમાં અહંતા અને મમતા કાષ્ઠ પેઠે બળી જશે અને તેમાંથી સાધુતાનો પ્રકાશ થશે, સંપનો મેળો થશે, અને જંપની તાપણી થશે. અર્જુનના વાયુરથને વળગેલાં સત્વોએ આપણને કહ્યું અને ચિરંજીવોએ પણ સ્પષ્ટ કહ્યું કે ધર્મના અવતાર વિના ભીમ કે અર્જુન કે નકુળ સહદેવની આશા વ્યર્થ છે તેનું રહસ્ય આવું છે. સનાતન ધર્મ વિના, સંપનો તો માત્ર બક-જપ છે, અને સંપનો જંપ તો મૃગજળ જેવો છે. આપણા કલ્યાણગ્રામમાં એ મૃગજળને સ્થાને અમૃત જળ ભરેલી ગંગાને આપણે ભગીરથ પેઠે ઉતારીશું.

“કુમુદસુન્દરી ! આપણા કલ્યાણગ્રામમાં સિદ્ધ-સંસ્કારિણી થયલી સ્ત્રીયો પણ જાતે સ્વતંત્ર સમર્થ સ્વસ્થ ધર્મિષ્ઠ વિદુષીઓ થઈ સંસારમાં પરિવ્રજ્યા કરશે અને ગામે ગામ, ઘેરે ઘેર ભિક્ષા માગ્યા વિના, સ્ત્રીજાતિનો ઉત્કર્ષ – બોધથી, રસથી, અને પોતાનાં દૃષ્ટાંતથી – કરશે. આ ગ્રામનાં દમ્પતીઓ અને બ્રહ્મચારીઓ પણ આવી જ પરિવ્રજયાઓને કાળે પાંડવોના વિજયધ્વજ આર્યલોકમાં દર્શાવશે અને કેળના થાંભલાઓ પેઠે ઘેર ઘેર એ ધ્વજને રોપશે ને પાંચાલીને પતિસમાગમ આપી એનાં સર્વ અંગને અને આત્માને આરોગ્ય, સ્વસ્થતા, શક્તિ, સુંદરતા અને કલ્યાણભોગ આપશે. લોક એમ માને છે કે સ્ત્રીઓને અને રાજ્યને શો સંબંધ છે. પણ સ્ત્રીવિના ગૃહ નથી, ગૃહવિના પ્રજા નથી, ને પ્રજાવિના રાજ્ય નથી. સ્ત્રીની સુસ્થિતિ વિના રાજાઓનાં મંદિરો મોડાં વ્હેલાં ભ્રષ્ટ થાય છે; સ્ત્રીના ઉત્કર્ષ વિનાનાં પ્રજાનાં ગૃહમાં ક્લેશ અને ચિન્તા જાળાં બાંધે છે; અને અસ્વસ્થ ગૃહનો સ્વામી ગૃહબહાર ગૃહની ચિન્તાઓથી ગ્રસ્ત રહી ફરે છે ને બહારની ચિન્તાઓમાંથી, શ્રાન્તિઓમાંથી કે મનના ગુંચવારાઓમાંથી મુક્ત થવા અજ્ઞ ગૃહિણીના ધર્મસહચારની આશા રાખી શકતો નથી. મહારાજોના ઇતિહાસનો મર્મ શોધતાં સ્ત્રીદૂષક પુરુષવિદ્વાનો ક્‌હે છે કે રાજયનાં મ્હોટાં યુદ્ધો સ્ત્રીને લીધે થયાં છે ને સ્ત્રી સ્ત્રોપાઠકો ક્‌હે છે કે સ્ત્રીની ઉન્નતિ વિના દેશની ઉન્નતિ અશક્ય છે.