પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૬

સાધુજનો સ્ત્રીની નિન્દા કે સ્તુતિ કરતા નથી, પણ પુરુષ અને સ્ત્રી ઉભયને અધ્યાત્મ દૃષ્ટિથી જોઈ ઉભયનાં અલખ જગવે છે. સ્ત્રીદૂષક વિદ્વાનો પણ તેમ કરતા હત તો એક આંખે જોયાથી માલમ પડેલા દોષનો પ્રતીકાર સાધુજનોની પેઠે જ કરત, અને સ્ત્રીસ્તોત્રપાઠકો આ પૌરુષદમ્ભી પુરુષોની ઈર્ષાના પાત્ર પણ ન થાત અને સ્ત્રીજાતિ અને પુરુષજાતિ વચ્ચેના કલહમાં નવાં ઈન્ધન નાંખવાના દોષમાંથી ઉગરત. સાધુજનોના ધર્મ આ વિષયમાં પણ સંપ અને જંપ ઉભયનું પોષણ કરે છે તે પોષણનો વૃક્ષ આપણા કલ્યાણગ્રામના આશ્રમોમાંથી ઉગવા માંડશે.

“અહંતા મમતા વિનાનું આર્યલોકનું સર્વ પ્રકારનું બન્ધુત્વ આપણી આ આર્યભૂમિમાં સર્વ સંસારમાં રેલાશે – અને કુમુદ ! મ્હારા દ્રવ્યસંચય અને આપણી અદ્વૈત વાસનાઓ આ મહાન્ સમારંભના પાયાને ચણશે – એ પાયામાં ઈંટ અને વજ્રલેપનું કર્મ કરશે, રખેને આ દાનશક્તિમાં ન્યૂનતા આવે, રખેને સ્થૂલસમાગમથી આપણને કોઈ જાતની સંતતિ થાય અને પુત્રયજ્ઞના ધર્મબન્ધનથી આ લોકયજ્ઞમાં અર્પવાની સામગ્રીમાંથી કંઈ પણ અંશ પુત્રાદિકને માટે રાખવો પડે ! રખેને લોકને અર્પવાનાં આપણાં આયુષ્યનો કોઈ પણ અંશ આપણા સ્થૂલધર્મમાં રોકવો પડે ! રખેને આપણી પૂર્ણાહુતિમાં કંઈ પણ સંકોચ રાખવો પડે – એ ભીતિથી આપણાં સૂક્ષ્મ જીવનનું આપણે સૂક્ષ્મ અદ્વૈત રચાયું છે તેમાં સ્થૂલ અદ્વૈત નહી ઉમેરીયે | પ્રિયતમ ! સૂક્ષ્મ હૃદયની પ્રિયતમ ! ત્હારું હૃદય મ્હારા હૃદયમાં આ રીતે પ્રાપ્ત થયું છે કે નહી તે કહી દે કે આપણે હરિ, કુન્તી, અને પાણડવો જેવા પાંચાલીના સપ્તાચલનું પૂજન કરવા નીકળીયે અને આપણું સૂક્ષ્મ લગ્ન સંપૂર્ણ થાય ! આપણાં આયુષ્યના એ સપ્તાચલની યાત્રામાં હું તને પગલે પગલે મ્હારા સામી અચલ ઉભી દેખું છું ! હું પણ ત્હારી સામે એવે જ પગલે ઉભો છું. મારી પાછળ પગલે પગલે તું આવે છે એને હું ત્હારી પાછળ પગલે પગલે સ્થિર પગલે આવું છું ! આપણાં પગલાં સાથે સાથે ઉપડે છે ! હું તને પગલે પગલે સાથે લેઉં છું ને તું આવે છે ! તું તેજરૂપ છે ને મ્હારા હૃદયરૂપી તેજને તું પ્રાપ્ત થાય છે ! [૧] પ્રિયતમા ! આયુષ્યની સહચારિણી ! આપણો શુદ્ધ સંપૂર્ણ વિવાહ થયો ! આપણે તેજરૂપ થઈ વરી ચુકયાં !”


  1. ૐ प्रतिपदसि प्रतिपदे त्वानुपदस्यनुपद त्वा संपदसि संपद तेजासि तेजसे त्वा ॥
    (સપ્તાચલપૂજનનો મંત્ર)