પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪

આત્માનું રક્ષણ કર્યું, અને ગઈકાલ જેને જગત રાજદ્રોહી ગણતું હતું તે આત્મા એ રક્ષણને બળે, મરણપથારીમાં સુતેલા પિતાનું રાજભક્ત આયુષ્ય વધારી, અત્યારે રાજભક્ત મૂળરાજને રૂપે આ મંડપમાં વિરાજે છે, અને એ ઉદાત્તતાનો ચમત્કાર પ્રત્યક્ષ કર્યા પછી ઉત્તમ દેશી રાજ્યોને રાજદ્રોહનું ભય નથી એવું મી. શંકરશર્મા સ્વીકારશે. મુંબાઈ જેવા સ્વતંત્ર નગરની સ્વતંત્રતા એમનામાંથી કરમાયલી છે તે આ રાજયના માળીનાં પાણીથી તાજી થઈ એવું સત્ય સ્વીકારશે કે એમના ન્યાયાસન પાસે રંક પ્રજાના દ્રોહનો આરોપ કોઈ ઉન્મત્ત પુરુષોને માથે આવ્યો જોવાનો પ્રસંગ કદી આવે, પણ મલ્લરાજ અને મણિરાજના રાજ્યાસનનો દ્રોહ કરવાનો આરોપ તો નહી જ આવે ! એવા દ્રોહના આરેપીને આ રાજ્યની ઉદાત્તતા કંઈક જુદીજ શિક્ષા કરશે, અને એ દ્રોહના રોગીને, એ રોગના ચેપમાં ડુબી ચેપ ઉરાડે એવી ન્યાયાસનની તરવાર નહી પણ કાંઈક બીજી જ રાજભક્તિની અમૃત-સંજીવની માત્રા આપશે.”

શંકર૦–“હું કાંઈ આ રાજયમાં રાજદ્રોહની વાત કરતો નથી પણ તમે અમારા રાજ્યો પાસે અમારા ચક્રવર્તી સામે રાજદ્રોહ કરાવવા ઈચ્છો છો તેની વાત કરું છું.”

ચંદ્ર૦– “સ્વરાજ્યમાં રાજદ્રોહનું સ્વપ્ન જોયાથી જ આ પરરાજ્યના રાજદ્રોહનું સ્વપ્ન તમને થયું ને મ્હારા વાકયનો તમે અવળો અર્થ કર્યો. ખરી વાત છે કે મેગ્ના કાર્ટાને માગનાર ઉમરાવો સશસ્ત્ર હતા, પણ મ્હેં તો તમારા હાથમાંથી શસ્ત્ર ખરી પડે અને રાજ્યાધિકારીઓ મટી તમે ઉદ્યોગાધિકારીઓ થાવ ત્યારે જ તમારી પાસે અમારા મેગ્ના કાર્ટ મેળવવામાં સાહાય્ય ઈચ્છયું હતું. એ સાહાય્ય તમારા શસ્ત્રને બળે ઈચ્છયું ન હતું પણ તમારા ધનરાશિને બળે, ઈંગ્રેજ સાથે તમારી મૈત્રીને બળે, નયશાસ્ત્રમાં તમારી સાનુભવ બુદ્ધિની કળાઓને બળે, અને લોકસંઘનાં મન સ્વહસ્તમાં લેઈ લેવાના અને રાખવાના પ્રભાવવાળા પ્રતાપને બળે. આ યુગમાં તો એ જ બળ અને કળ મનુષ્યનાં શસ્ત્ર છે અને એવાં શસ્ત્રો તો રાજદ્રોહનાં જ સંહારક છે. એ બળ અને કુળના ગન્ધથી રાજદ્રોહનો દુર્ગન્ધ નાશ પામે છે.”

પ્રવીણ૦– "ભલે એમ હો પણ અમારે અમારા લાભ છોડી, અમારી પ્રજાઓને પડતી મુકી, તેમની પાસેથી તેમના હિતને માટે લીધેલું દ્રવ્ય, તમારે માટે ખરચવાનું કંઈ કારણ ? તમે દેશી રાજ્યોના ભાણેજ કે જમાઈ કેવી રીતે થાવ તે જણાવો તો ખરા કે અમારી પાસેથી ભાણેજાં તે તાણેજાં થવાને તમારો હક કયાંથી જન્મ પામ્યો તે સમજાય!”