પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪૯

સ્વતંત્રતાનો પોષક છે, સૂક્ષ્મ મનુષ્યત્વવાળા તમ આર્યોને બીજું શું જોઈએ ? આ ભૂમિના અમરવૃક્ષ થોડો કાળ દેવદુષ્કાળથી ફાલતા બંધ થયા છતાં આર્યોનાં હૃદયમાં તો વૃક્ષોનાં સૂક્ષ્મ થડ મૂળ સહિત - અમર છે ને તેનું સેવન કરશો તો તમને કોની ભીતિ છે ?” એ પરદેશનાં કે આ દેશનાં સ્થૂલ સત્ત્વો એ અમર વૃક્ષોના સ્થૂલ ભાગને કાપશે તેમ તેમ તેનાં સૂક્ષ્મ અમર મૂળ કાપ્યાં વધશે !”

આ વાણી બંધ થઈ અને બોલનારી દૂર જતી ર્‌હેતી લાગી, પણ તેની પાછળ તેના મુખનું ગાયન લંબાતું સંભળાયાં કર્યું.

અંધકારનો સમો પ્રબળ ! આ દશા થઈ મ્હારી !
સુંદર, કોમળ, સબળ બધી મુજ સંતતિ કરમાઈ !
શું કરું? શું કરું ? નવ ચાલે કંઈ ! પ્રહર બહુ વીત્યાં !
પ્રહાર બહુ મુજ સુન્દરતાએ તિમિરતણા ઝીલ્યા !
ત્હોય હરિનો હાથ અમારે ! અંધકારમાં જીવું !
પોષણ પામું ! રહું સુવાસિત ! અંતર્બળ ના મુકું !
દઉં–પામું–આનન્દ વિજનમાં; ભલે લોક ના દેખે !
અંધકારની મધ્ય અંક મુજ બાળ-સમૃદ્ધિ બ્હેંકે.
મન્વંતર [૧] ભર, અંધકાર, તું ભલે રહે ઉભો !
છવાય તેટલું છાય ભલે તું ! ભલે જ તું ખીજો !
અંધકાર ! તુજને હંફાવું વર્ત્તમાનમાં આજે !
મન્વતર પળસમા ગણું, પળ પળમાં પુરી થાશે !
પ્રભાત પળમાં થયું દેખાડું ! ઉષાપણે આવે !
અંધકાર ! તુજને હંફાવી ધક્કેલી ક્‌હાડે.
જાત મુજ, મુજ પ્રજા સુકોમળ, હતી તેવી થાશે,
અંધકારને હંફાવી, જય ભવિષ્યને ગાશે.” [૨]

  1. ૧ મન્વંતર = મનુનું વય, તે બ્રહ્માના દિવસનો એક અંશ.
  2. ૨. સ્નેહમુદ્રા,કાંડ, ૮૭, ( ૧૪–૨૨)