પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૧


વિદ્યા૦- કુસુમનો લોભ તને ભુલાવતો નથી ?

ગુણ૦– તે ભુલવતો હશે તે ભુલાવવા દ્યો. જે વાતમાં કાંઈ હાનિ નથી ને લાભ કોઈ પણ અંશે થાય એમ હોય તો તે કામ કરવું જ. મ્હારું હૈયું એમ ક્‌હે છે કે મ્હારાં આંસુ એ જોઈ નહી ર્‌હે.

વિદ્યા૦– ૫ણ તેમને ઘેર આણી તું શું કરવાની હતી ? તેમને ત્યાં જ સુખ હશે ત્યારે ?

ગુણ૦- આપ શું બોલો છે તેની મને કંઈ સમજણ પડતી નથી.

વિદ્યા૦- હું તને કંઈ વિચિત્ર સમાચાર કહું, પણ તે તું કેવી રીતે સાંભળી શકીશ તે મ્હારાથી સમજાતું નથી ત્યાં સુધી મ્હારું બોલ્યું ત્હારાથી સમજાવાનું નથી.

ગુણ૦– મને જે હોય તે કહી દ્યો, આટલાથી ન ફુટેલા કાળજાને હવે ઘાયે વાગવાના નથી.

વિધા૦– મ્હારી જીભ ઉપડતી નથી.

ગુણ૦– હા ! આ પણ એક નવો અનુભવ કે મ્હારી સાથે આપ ભેદભાવ રાખો છો. આ ભેદભાવ મ્હારા કાળજાને જેટલું વલોવે છે તેટલું આપે ક્‌હેવાના સમાચારથી નહી વલોવાય. સ્ત્રીજાતિ અબળા છે – સ્વામીની પ્રીતિ છતાં પણ અનાથ છે – તે હું આજ સમજી.

વિઘા૦- કુમુદ જીવતી છે !–

'હેં !' – ગુણસુંદરીએ મલકાઈને ઉદ્ગાર કર્યો.

વિદ્યા૦– ઘણું કરીને છે – ને સરસ્વતીચન્દ્રની પાસે જ તે છે !

ગુણસુન્દરીનું મ્હોં લેવાઈ ગયું. તેણે ઉત્તર ન દીધો. નીચું જોઈ રહી ને નેત્રમાંથી આંસુનાં મ્હોટાં બિન્દુ ટપકવા લાગ્યાં.

વિદ્યા૦- તને આ સમાચારથી શું થશે તે હું જાણતો હતો માટે જ અચકાતો હતો. હવે ત્હારા હૃદયમાં સરસ્વતીચંદ્રનો કેટલો લોભ છે ને કુસુમનું શું કરવું છે તે ક્‌હે.

ગુણસુન્દરીનાં આ આંસુ ઉડી ગયાં દેખાયાં ને સટે તેમાં ક્રોધની રતાશ દેખાઈ ને એ રતાશ ઉપર ક્રોધનાં નવાં આંસુ લોહીની તસરોવાળાં દેખાયાં.

“હું જાઉં છું ! હવે મ્હારે કાંઈ ક્‌હેવાનું નથી. આપને ઠીક લાગે તે કરો ને જેને જે ગમે તે કરે. કુમુદની સુવાવડમાંથી હું ઉઠી એ