પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૨

જ ખોટું થયું. હવે જીવવાં શાં ને જોવાં શાં ? હું જાઉં છું. એ દીકરી ને તમે બાપ. હું છુટી ને છુટીશ.”

ગુણસુંદરી ઉઠી અને દ્વાર ભણી ક્રોધના વેગથી ચાલી. વિદ્યાચતુર તેવા જ વેગથી એની પાછળ ચાલ્યો ને એને બાથમાં લેઈ એક ટેબલ પર બેસાડવા લાગ્યો.

“ગુણીયલ ! ક્રોધનો કાળ નથી. આ વાતમાં તું જ શાંત થઈ મને આશ્રય અને અભિપ્રાય નહી આપે તો કેની પાસે હું આ વાત કરીશ ? આપણી પ્રતિષ્ઠા અને આપણો ધર્મ અને આપણે પેટે જન્મેલાં બાળક ! – તેની વ્યવસ્થામાં શું ત્હારા ધર્મસહચારનો લાભ મને નહી મળે ?"

ગુણ૦– હવે તે શું કરવાનું હતું ? પ્રતિષ્ઠા પાણીમાં પડી, ધર્મ ધોવાઈ ગયો, ને આપણી અપ્રતિષ્ઠા જોવામાં સહચાર જ છેસ્તો ! હવે આપ પ્રધાનપદ છોડી દ્યો ને બે જણ કાશીવાસ કરી આ સંસાર આગળથી મ્હોડું સંતાડી ચાલ્યાં જઈએ.

વિધા૦– આપણી કલ્પના મિથ્યા કેમ ન નીવડે ? વિષ્ણુદાસબાવાની છાયામાં કદી અધર્મ કે અનાચાર થયો નથી ને જીવતી નીકળેલી કુમુદને સરસ્વતીચંદ્રે કેવળ ધર્મનો આશ્રય આપ્યો હોય તો તેમાં કંઈ અશક્ય છે ?

ગુણસુન્દરી કંઈક નરમ પડી. “એમ પણ હોય. પણ જગત કેમ માનશે ?”

વિદ્યા૦- આપણે માનીશું તો જગત પાસે પણ મનાવીશું.-

ગુણ૦– આપણે માનવાનો કાળ પણ આવે ત્યારે આવે.

વિદ્યા૦– જો આપણું હૃદય વિશુદ્ધ જ છે ને આપણો સ્નેહ સત્ય જ છે તો આપણી કુમુદનું હૃદય અન્ય સંસ્કારોથી ભરાવાનો સંભવ બહુ જ એાછો છે.

ગુણ૦– આપણાં જે હૃદયે વિશુદ્ધિને પોષી છે તે જ હૃદયે દૃઢ સ્નેહને પણ પોષેલો છે. કુમુદના હૃદયમાં આપણે જ આપણા જેવો સ્નેહ અતિ-ઉત્સાહથી સફળ થઈ ભરેલો તેને ત્યાંથી સરવવાને અને નિષ્ફળ કરવાને પ્રમાદધન જેવાની શક્તિ ક્યાંથી હોય ?

વિઘા૦- એ પણ સત્ય છે. “નવીનચંદ્ર” નામના બુદ્ધિધનભાઈના અતિથિની વાતો સાંભળી છે તે ત્હારી કલ્પના સાથે મળતી આવે છે.