પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫૯

કરવો, એ સર્વે ક્રિયાઓને માટે સામાન્ય રીતે આપણો અધિકાર નથી. પારકા જીવને દુ:ખ દેવું કે તેને અજ્ઞાત પણ હાનિ કરવી એ ક્રિયાનો ધર્મ તો લેકવ્યવસ્થાના અધિકારીને જ પ્રાપ્ત થાય છે. સંસારની વ્યવસ્થાઓ સામાન્ય રીતે રાજાઓના અને તેણે સ્વીકારેલા અધિકારીઓના અધિકારની વાત છે. માતાપિતા પુત્રાદિક ઉપર અધિકાર વાપરે છે તે પણ રાજાએ આપેલા જ અધિકારથી રાજાએ જ્યાં આજ્ઞા કે નિષેધ કાંઈ ન કર્યું હોય પણ માત્ર અધિકાર આપ્યો હોય ત્યાં અધિકારીએ સામા જીવનું કલ્યાણ ઇચ્છી ક્રિયા કરવાની છે – એ વિના સર્વ વિષય અને વિચાર તેના અધિકારથી બ્હાર છે. સેનાધિપતિ અને ન્યાયાધીશ પોતાના અધિકારના વિષયનું જ કલ્યાણ ઇચ્છી અન્ય જીવોને દુઃખ કરે છે એને તેમનાં શરીરને મૃત્યુવશ કરે છે તે ક્રિયાઓથી થતાં સુખદુઃખ વિચારવાનો તેમને અધિકાર નથી; તેમને અધિકાર માત્ર એટલો જ કે સેનાધિપતિએ અમુક માર્ગે વિજય મેળવવો અને ન્યાયાધીશે ન્યાય મેળવવો. રાજાને પણ લોકવ્યવસ્થાને માટે જ ઈશ્વરે અધિકાર આપેલો છે તે છોડી અન્યથા કામ કરે ને પ્રજાને દુઃખ થાય ત્યારે રાજાને સ્વમાર્ગે આણવાને માટે પ્રજા છે, અને પ્રજા વિમાર્ગે ચાલે ત્યારે તેને માથે રાજા છે. આ સર્વ પ્રશ્નોમાં માત્ર લોકવ્યવસ્થાને માટે યોગ્ય સ્થાનમાંથી પ્રાપ્ત થયેલા અધિકારને અને અધિકારના વિષયનો વિચાર છોડી બીજો કાંઈ વિચાર કરવાનો નથી. જેની બુદ્ધિ પ્હોચતી નથી તેને માર્ગ દર્શાવવાને પ્રાચીન શાસ્રી, અર્વાચીન મહાત્માઓ, અને આશપાશના મહાજન છે. જ્ઞાતિના અજ્ઞાની જનોને માટે જ્ઞાતિ એક જાતનો મહાજન છે. બાળકને માટે માતાપિતા મહાજન તુલ્ય છે. બાળકનાં વય, બુદ્ધિ અને વિધા વધે તેમ તેમ તેના અધિકાર વધે છે ને માતાપિતાના ઘટે છે, તે જ રીતે જે મનુષ્યોની બુદ્ધિ અને વિદ્યા વધે છે તેમનો અધિકાર વધે છે અને જ્ઞાતિના, લોકાચારના, શાસ્ત્રના, અને મહાત્માઓના અધિકાર ખસવા માંડે છે. દેશકાળની કાંઈક સ્થિતિ વિચારી પૂર્વકાળના વિદ્વાનોએ અને મહાજનોએ બાળલગ્ન, અને વૈધવ્યસહનના આચાર પાડેલા તે કાયમ રાખવાનો તેમનો અધિકાર નવી વિદ્યા અને નવી બુદ્ધિના હાથમાં છે. મને મળેલો આ અધિકાર હું વેળાસર સમજ્યો નહી અને એ અધિકાર મને હોય નહી એમ વિશ્વાસે રહી કુમુદનું ભાગ્ય સુવર્ણપુરમાં મ્હેં બાંધ્યું તે મ્હારાથી અધર્મ થઈ ગયો, ને હવે મ્હારી શક્તિ વિચારી મ્હારો અધિકાર શોધી વેળાસર ચેતું છું તેથી હું મ્હારો ધર્મ કરીશ. અધિકાર કોટિથી પ્રાપ્ત થયલા અાવા