પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬૨

સુખી થવાની વૃત્તિ તથા શક્તિવાળી છે. એવું જાણવાની સાથે તેમને નવી વ્યવસ્થાનું જીવન આપવા હું અધિકારી થાઉં છું ને તેમ કરવું એ મ્હારો ધર્મ થાય છે.

ગુણ૦– આપે વડીલોના અભિપ્રાય લીધા ?

વિદ્યા૦- સરદારસિંહે વડીલને પુછ્યું. ને મહારાજે મામાને પુછ્‌યું. આપણે આવો પ્રશ્ન પુછીયે છીયે તેટલાથી જ મામાને આશ્ચર્ય લાગ્યું ને એવા પ્રશ્ન પુછનારની વૃત્તિ મનગમતો ઉત્તર જ ઇચ્છે અને તે આપવો કે ન આપવો એ વિચારતાં પોતાની નિવૃત્તિમાં વિઘ્ન આવે માટે આ વિચાર મહારાજને અને મને જ સોંપ્યો, અને મહારાજનું અપમાન ન થાય માટે સ્મિત કરી કહ્યું કે “હું હવે વૃદ્ધ થયો છું ને નવા યુગનું માહાત્મ્ય જોવું ઘણા કાળથી મ્હેં મુકી દીધું છે, માટે એ જોવું જુવાનમંડળને જ વધારે અનુકૂળ થઈ પડશે; - રાજ્યનો કોઈ મ્હોટો પ્રસંગ હત તો હું નિવૃત્તિ તોડી અભિપ્રાય આપત; પણ નવા યુગનાં ન્હાનાં મ્હોટાં થયલાં બાળકોના પરિપાકનો મને અનુભવ નથી ને તેના વિચારનો પણ મને અધિકાર નથી.”

ગુણ૦- આ ઉત્તરમાં એમનો અભિપ્રાય જણાતો નથી ?

વિદ્યા૦- એ તો સ્પષ્ટ છે. પણ પિતાજીનો અભિપ્રાય જુદો થયો. તેમણે કહ્યું કે કાગડાના માળામાં મુકેલી હંસી, કાગડો મરતાં, હંસને શોધે તો એ એક જુવાનીનો વેગ છે. લોક પોતે પોતાની જુવાનીના વેગને અટકાવતા નથી પણ પારકાં બાળક એ વેગને અટકાવે એવું જોવાને ઇચ્છે છે. લોકના કહ્યા પ્રમાણે કરીયે તો બાળક દુ:ખી થાય ને બાળકના કહ્યા પ્રમાણે કરીયે, તે લોક ચુંટી ખાય. માટે ડાહી વાત એ છે કે લોક જેને મુવેલી જાણે છે તેને જીવતી કહી લોકની ભુલ ભાંગવાને આપણે કંઈ બંધાયા નથી. માટે આ બે જણે સુંદરગિરિમાં જે વાસ શોધી ક્‌હાડ્યો હોય ત્યાં તેમને નીરાંતે ર્‌હેવા દેવાં, ને આપણે તેમની કુથલી કરવી નહી ને લોકમાં થવા દેવી નહી. મરેલાં ગણાતાં છોકરાં ભલે સુખી થાય ને લોકની આંખમાં ધુળ નાંખે. લોકને રીઝવી છોકરાંને મારવાં નથી ને લોકમાં સત્યવાદી થઈ કારભારને આંચ આવવા દેવી નથી, ગુણીયલ ! આ એમના શબ્દે શબ્દ તને કહી દેઉં છું.

ગુણ૦- સંસારને ધર્મથી પાળનાર મામાજીએ સંસારનું રક્ષણ કર્યું ને સંસારને અને સંસારના ખેલને ઓળખનાર વડીલે એ સંસાર સાથે રમવાનો ખેલ બતાવ્યો.