પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૦


રહે, અને તે પછી કુમુદબ્હેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાનો પુષ્કળ અવકાશ ર્‌હેશે.

વિદ્યા૦ – જો તેમ થાય તો સર્વ વાંધો દૂર જાય ખરો. તમે તેમ કેવી રીતે કરવા ધારો છો ?

સર૦– “નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ નીવડે તો તેમણે અર્થદાસના આયુષ્યના રક્ષણને માટે અને કુમુદબ્હેનની પ્રતિષ્ઠાને માટે પોતાનું નામ અને શરીર પ્રસિદ્ધ કરવું પડશે એવું તેમને ક્‌હેવાને મ્હેં ચદ્રકાંતભાઈને ક્‌હેલું છે ને તેમણે તે ક્‌હેવા સ્વીકાર્યું છે. તે પછી આપણે વચ્ચે પડવું ન પડે એવો માર્ગ છે. યદુશૃંગના સાધુજનોનો પ્રથમ ન્યાય કરવાનો આપણે હાથમાં રાખેલો નથી, પણ એક આપણો અધિકારી યદુશૃંગના મહન્તની સાથે બેસે અને સાધુજનનો ન્યાય એ બે જણ મળી કરે અને તે પછી આપની પાસે તે વિષયને શુદ્ધતર ન્યાય – અપીલ – થાય એવી વ્યવસ્થા નાગરાજ મહારાજના સમયથી આપણે સ્વીકારી છે ને ધ્રુવ સાહેબની તેમાં સંમતિ છે. કોઈપણ સાધુજનને આજ્ઞા કરી આ વિના બીજા ન્યાયાસન પાસે કોઈપણ પ્રસંગે કે પ્રકારે મોકલવાનો અધિકાર આપણે આપણા હાથમાં રાખેલ નથી. આ બે ન્યાયાસન પાસે જેનો પ્રાથમિક ન્યાય – 'પ્રાઈમાફેસી કેસ' – થાય તેને તે પછી જ આપણે સરકારને સોંપી શકીયે છીયે. નવીનચંદ્ર પણ યદુશૃંગના સાધુજન છે અને આ વ્યવસ્થા તોડી તેમને સરકારમાં મોકલી શકીયે તેમ નથી, ને એજન્સીમાં આ કારણ વિદિત થશે એટલે તેમણે પણ એ જ માર્ગે ઉતર્યા વિના છુટકો નથી.

“નવીનચંદ્ર ઉપર કાંઈ આરોપ નથી. તેમનું તો માત્ર અસ્તિત્વ જ સિદ્ધ કરવાનું છે. વિષ્ણુદાસજી અને શંકર શર્મા સાથે બેસી એમના અસ્તિત્વનો અને તે સંબંધી સર્વ વાતનો નિર્ણય કરશે તે બીજી કાંઈ કથા કે કુથલી ર્‌હેવાની નથી. એ જ સરસ્વતીચંદ્ર છે, અને સાધુ થયા છે, એટલી વાતથી કુમુદબ્હેનનું નામ દીધા વિના એમની પ્રતિષ્ઠાનું રક્ષણ છે. માટે આ વિના બીજું કાંઈ કરવાનું નથી. અર્થદાસ અને બ્હારવટીયાઓ સરસ્વતીચંદ્રના કે નવીનચંદ્રના ખુનના અપરાધી નથી એટલું સિદ્ધ કરવા આટલું બસ છે. અર્થદાસ પાસે આવેલી મહામૂલ્યવાળી મુદ્રાનો યેાગ સરસ્વતીચંદ્ર વિના બીજાના નામથી મનાવો જેવો કઠણ છે તેવો જ સરસ્વતીચંદ્ર અને નવીનચંદ્ર એક જ પુરુષ છે તેટલું સિદ્ધ થયાથી એ યોગ માનવાનાં કારણમાં કાંઈ ન્યૂનતા નહી ર્‌હે."