પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૧


“આપ આ વિષયમાં પ્રસિદ્ધ આજ્ઞાપત્ર ક્‌હાડો તેની સાથે જ સરસ્વતીચંદ્રનાં માતાપિતા અને દેશીપરદેશી પ્રતિષ્ઠિત મિત્રો એમનું અભિજ્ઞાન સિદ્ધ કરી સાક્ષી થવા સુંદરગિરિ ઉપર આવવા મુંબાઈથી નીકળી પડે એવી યોજના કરી રાખી છે. આપ તેમનું આતિથેય કરજો અને એવાં પ્રતિષ્ઠિત મનુષ્યો એક વાર સરસ્વતીચંદ્રને ઓળખી ક્‌હાડી તે વિષયે પ્રતિજ્ઞાપૂર્વક આપણા આવા ન્યાયાસન પાસે ઉદ્ધાર કરશે તે પછી સરકારી અધિકારીઓને અને હીરાલાલ કે ધૂર્તલાલને બોલવાને અક્ષર પણ નહી ર્‌હે અને સરકારને આટલાથી સંતોષ ન વળે તો આ સર્વે ગૃહસ્થોને ભલે મુંબાઈની કોર્ટોમાં જ બીજીવાર પ્રતિજ્ઞા આપી પુછી લે.

“સુવર્ણપુર અને રત્નનગરી ઉપરથી તેમ કુમુદબ્હેન ઉપરથી સર્વ વાદળાં આટલા સ્હેલા પ્રયોગથી ખસી જશે, અને આપના ગૃહસંસારની વ્યવસ્થા તે પછી આપને યોગ્ય લાગે તે માર્ગે ઉતારજો.”

સરદારસિંહ બોલી રહ્યો. થોડી વાર વિચારમાં પડી અંતે, વિદ્યાચતુર બોલ્યો.

“સરદારસિંહ ! તમે ઘણી દૂર અને સૂક્ષ્મ દૃષ્ટિ વાપરી આ યોજના કરી ક્‌હાડી છે, રાજ્યને અને અન્ય સર્વને તે હિતકારક છે અને ચક્રવર્તીભવનમાં પણ એ જ અનુકૂળ પડશે. તમે મહારાજને તે વિસ્તારથી સમજાવજો. મને તો હવે તમારે માત્ર એટલું જ ક્‌હેવાનું બાકી છે કે મ્હારું કુટુંબ તમને આ ન્યાયકાર્યમાં શી રીતે સાહાય્ય આપી શકે એમ છે અથવા મ્હારા કુટુમ્બની પોતાની વ્યવસ્થાને માટે મ્હારા સ્વમિત્રરૂપે તમે મને શી સૂચના કરો છો ?”

સર૦– એ તો ટુંકી વાર્તા છે. ગુણસુંદરીબાને અને સુન્દરબાને વડીલની સાથે આપે સુન્દરગિરિ ઉપર મોકલવાં. કુસુમબ્હેને પણ સાથે જવું. તેઓ સર્વ પોતાની મનોવૃત્તિઓ પ્રમાણે ત્યાં જઈ પ્રયોગ કરશે, અને વડીલ સાથે હશે એટલે લોકમાં વાંધો પડે એવું કામ અથવા સાહસ નહી થાય. તેમ કોઈ શીધ્રકાર્યનો પ્રસંગ ચુકી જવાય એવું પણ નહી થાય. આપના મનનો સંકેત ચંદ્રકાંતભાઈને પત્રદ્વારા લખી જણાવજો ને તેને અનુસરી સરસ્વતીચંદ્ર જોડે વાત કરવાની સૂચના લખજો. મિસ ફ્લોરાને પણ જુદાં મોકલજો ને તેમને આપની મનોવૃત્તિ જણાવી ગુપ્ત રાખવા ક્‌હેજો, ને પ્રસંગ પ્રમાણે ગુણસુંદરીબા સાથે અને કુમુદબ્હેન તથા કુસુમબ્હેન સાથે તેમ ચંદ્રકાંત સાથે ખુલાસો