પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૭૨

રાખવાનું અને વાત કરવાનું સૂચવજો. આટલી વ્યવસ્થા તરત રચશો તો પછી આપે ત્યાં આવવાની કે જાતે બીજી ચિંતા કરવાની કાંઈ અગત્ય નથી. આપ જેવા સુજ્ઞ અને પવિત્ર છો તેવી જ આપની પાસે પવિત્ર, સુજ્ઞ અને ચતુર પરિવારની સંપત્તિ છે માટે સુસ્થ રહી શકો એવું ભાગ્ય પણ આપને અનુસરે છે અને અનુસરશે.”

વિદ્યા૦- તમારી બુદ્ધિ બહુ ઉપયોગી અને ક્ષેમકારક માર્ગ ઘણી ત્વરાથી જોઈ શકે છે. તમે પણ રત્નનગરીનું રત્ન જ છો.

સર૦– મહારાજની અને આપની સાત્વિક દૃષ્ટિ અને પ્રીતિ છે તો આપના સર્વ અધિકારીઓ આપ મહારત્નોની આશપાશ રત્નકણિકાઓ પેઠે ર્‌હેવા યોગ્ય થવાનો પ્રયત્ન કરે છે. આપને વધારે અવકાશ રોકવા જેવું હવે કાંઈ કામ બાકી જણાતું નથી.

વિદ્યા૦– ના, તમે નીરાંતે હવે જાવ અને સ્વકાર્યમાં યોગ્ય લાગે તે કરો.

સરદારસિંહ ગયો.



પ્રકરણ ૪૨
મિત્રના મર્મ પ્રહાર.
सुहृदर्थधमीहितमजिद्मधियां
प्रकृतेर्विराजति विरुद्धमपि ॥ माघ.

પાઞ્ચાલીની વાણીને જાગૃત યોગમાં પ્રત્યક્ષ કરી સરસ્વતીચંદ્ર અને કુમુદ સૌમનસ્યગુફાના વર્ણવેલા ઓટલા ઉપર કેટલીક ઘડીઓ સુધી આનંદયોગની નિદ્રામાં હાલ્યા ચાલ્યા વિના બેસી રહ્યાં. અન્તે પાછલી રાત્રે કુમુદ જાગી એ ખંડના વચલા ભાગમાં જાતે સુઈ ગઈ અને સરસ્વતીચંદ્ર ઓટલા ઉપર પોતાના હાથનું ઉશીકું કરી સુઈ ગયો. પ્રાત:કાળમાં વ્હેલી ઉઠી કુમુદ સરસ્વતીચંદ્રની પાસે ઉભી રહી તેને જગાડવા ઇચ્છતી ક્‌હેવા લાગી.

“સરસ્વતીચંદ્ર, પ્રાત:કાળ થયો, ઉઠો.”

એ ન જ ઉઠ્યો. કુમુદે તેને કપાળે હાથ મુક્યો ને મુખેથી બોલી ઉઠાડવા જાય છે તે પ્હેલાં હાથના સ્પર્શથી પુરુષ જાગી ઉઠ્યો તેની સાથે કુમુદે હાથ લેઈ લીધો.