પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૦


"મધુરી મૈયા ! તમે ક્ષમા કરજો ! મ્હારા મિત્રે કરેલો અપરાધ આ ઉપરના આકાશ પેઠે હદ વિનાનો છે અને મીઠા જાણેલા એના હૃદયમાં સાગર જેવી ખારાશ જ ઉડી ભરાઈ છે અને સર્વ પાસ ઉભરાઈ છે તેને મીઠી કરવા હું કેવળ અશક્ત નીવડ્યો.”

આંસુ લ્હોઈ કુમુદસુંદરી બોલી.

“ચંદ્રકાંત ! આપનું આ રત્ન સાધુજનોની, સત્પરીક્ષામાં પણ રત્ન જ નીવડ્યું છે ને તેમનાં પુણ્યે તેને નવા સંસ્કાર અને નવા ઓપ આપ્યા છે તે આપ ધીમે ધીમે પ્રત્યક્ષ કરશો. એમના અત્યંત દુઃખી જીવને મહાપ્રયાસે સાધુજનોએ અને મ્હેં લગભગ શાંત કર્યો છે ને બાકી રહ્યું છે તે આપ કરી શકશો. મ્હારું રંક અનાથ હૃદય એમણે અતિ ઉદારતાથી સ્વસ્થ અને સનાથ કર્યું છે. માટે હવે એ એમના નિર્મળ થયેલા હૃદય સરોવરને ડ્હોળી તેમાંની મહાપ્રયાસે નીચે ગયેલી માટીને પાછી ઉપર આણશો નહી. ઈશ્વરકૃપા છે તો આપ, સાધુજનો, અને હું સર્વ મળી અવકાશે સારું જ પરિણામ આણીશું.”


પ્રકરણ ૪૩.
ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.


રસ્વતીચંદ્ર અને ચન્દ્રકાન્તે આખો દિવસ સૌમનસ્ય ગુફાને ઉપલે માળે ગાળ્યો. કુમુદ તેમાં આવતી જતી ભાગ લેતી હતી અને ઘડી બેસી પાછી જતી હતી. કંઈ વાત ગુપ્ત રાખ્યા વિના સરસ્વતીચન્દ્રે પોતાનો અને કુમુદસુન્દરીનો સર્વે ઇતિહાસ ચન્દ્રકાન્તની પાસે અથથી ઇતિ સુધી વિદિત કરી દીધો. ગુપ્ત કથા જેમ જેમ પ્રકટ થતી ગઈ તેમ તેમ ચંદ્રકાન્ત ખેદ, આશ્રર્ય, આનંદ, અને ગુંચવારાઓને વારા ફરતી અનુભવ્યાં અને પ્રાત:કાળે દર્શાવેલી મનોવૃત્તિઓને સ્થાને કંઈક અપૂર્વ તરંગોમાં ચ્હડ્યો.

“ત્યારે તમે બે જણે મળી આ સ્થાનમાં આવી સિદ્ધિ પ્રાપ્ત કરી, અને તમે જે કરો અને જગતને તમારે માટે જે માનવા ન માનવા જેવું લાગે તેને માટે ગાળો ખાવાનું મ્હારે માથે નાંખ્યું ! વાહ ! વાહ ! ભોળાં દેખાતાં કુમુદસુંદરીએ પણ ઠીક જ તાલ રચ્યો !”

ચંદ્રકાન્ત આ બોલતો હતો તે કાળે કુમુદ વસન્તગુફામાંથી આવી એની પાછળ ઉભી હતી. એના પગને ઘસારો લાગતાં ચંદ્રકાંતે પાછું જોયું અને ચમકી ઉભો થયો.