પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૭


“કુમુદસુન્દરી, જેનો જન્મ સફળ કરવાને તમે આટલાં તરસ્યાં છો તેના જ જન્મને સફળ જોવાથી ચંદ્રકાંત પણ પોતાનો જન્મ સફળ થયો માનશે. માટે તમે રજ પણ ચિન્તા ન કરશો. આ વિનાના બીજા પત્ર વાંચી વિચાર કરવાનો અવકાશ શોધીશું.”

બીજો એક પત્ર લીધો – તે ઉપર ચન્દ્રકાતનું શિરનામું ને કુસુમના અક્ષર ! પરબીડીયું ફોડ્યું તે માંહ્ય બીજું પરબીડીયું હતું તે ઉપર લખ્યું હતું કે-“ ચંદ્રકાંતભાઈ, કુમુદબ્હેન જ્યાં હોય ત્યાં જઈ એને હાથો હાથ આપજો. જડે નહી તો જડે ત્યાં સુધી સાચવી રાખજો. ન જ જડે તો પાછો લાવજો. આણી પાસ ન આવો તો ફાડી નાંખજો.

લા. કુસુમ ”

ચંદ્રકાન્તે પત્ર કુમુદને આપ્યો ને એણે તે મનમાં વાંચ્યો.

“પ્રિય કુમુદબ્હેન,

હું ધારું છું કે તમારા સ્વહસ્તમાં આ પત્ર પ્હોંચશે. આ ભણીના બધા સમાચાર ચન્દ્રકાન્તભાઈ તમને ક્‌હેશે, પરંતુ તે પણ તમને બધું ક્‌હે કે ન ક્‌હે ને ક્‌હેવા ઇચ્છે તો પણ બધું જાણતા ન હોય માટે હું જ લખું છું.

“તમારે વીશે સર્વ કુટુમ્બનો જીવ ઉંચો થયો હતો તેમાં હવે આશા આવી છે. પણ પ્રમાદધનભાઈના સમાચાર પછી આ સંસારને મન તમારા ડુબ્યાના સમાચાર કરતાં જીવ્યાના સમાચાર વધારે વ્હાલા લાગતા નથી તે હું બે આંખે જોઉં છું ને કાને સાંભળું છું. તેમાં વળી તમારો અને સરસ્વતીચંદ્રનો સુન્દરગિરિ ઉપર યોગ થયો સાંભળી સઉ આનન્દને સટે ખેદ પામે છે ને બીજું તો હું લખતી નથી.

પ્રમાદધનભાઈ આયુષ્યમાન હતા ત્યારે તેમના ભણીનાં તમારા દુઃખને લીધે ગુણીયલ દુ:ખી હતાં, સરસ્વતીચંદ્રને ગુણીયલ સુખી જોવા ઇચ્છે છે પણ તમારાથી તે સુખી થાય એ એમના હૃદયને ગમતી વાત નથી. પણ પિતાજીનું મન પ્રસન્ન રાખવાને માટે પિતાજી જે ક્‌હેશે તેમાં ગુણીયલ ભળશે.

તમારું ને સરસ્વતીચંદ્રનું તો હવે પુનર્લગ્ન થાય ને તેથી તમે બે જ્ઞાતિબ્હાર થશો ને આપણાં માતાપિતાને માથે અપયશ આવશે એટલે પછી તેમનાથી નીચેથી ઉંચું નહી જોવાય. જો પિતાજી તમારો તે પછી સ્વીકાર કરે તો તેમને જ્ઞાતિબહાર ર્‌હેવું પડે અને પ્રધાનપદ પરથી પણ ખસવું પડે, જરાશંકરમામાને આ વાત રજ ગમતી નથી,