પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮૯

ઉપર છાનો સંદેશો મોકલ્યો છે. ફ્‌લોરા પણ આવવાનાં છે; કારણ સમજાતું નથી, પણ મને, તમને સમજાવવાને માટે એમને મોકલવાનું ઠર્યું હોય એવું કાને આવ્યું છે. પણ એ એવું સુજ્ઞ માણસ છે કે તેમના ભણીની કંઈ ચિંતા રાખવા જેવું નથી.

તમને આ વાત કોઈ ક્‌હેવાનું નહી ને ત્યાં બધાં વચ્ચે આપણે વાત કરવાનો જોઈએ તેવે પ્રસંગ મળે કે ન મળે માટે આટલું આ પત્રમાં લખ્યું છે, સરસ્વતીચંદ્ર પણ સુજ્ઞ છે; કુમારાં ર્‌હેવાનો મ્હારો મૂળ વિચાર એમની વાતોથી થયો છે ને હવે એ મ્હારા મત્સ્યેંદ્ર-ગુરુ ભુલી જશે તો હું ગોરખ થઈને ગાઈશ કે.

દેખ મછેંદર, ગોરખ આયા

કુમુદબ્હેન ! બાકીનું તમારા દુઃખથી હું શીખાઈ છું ને મ્હારા સુખથી તમે શીખજો – કે પછી બેમાંથી એક પણ ડગીયે નહી ને ડગવા દેઈએ નહી !

બાકીની વાતો મળીયે ત્યારે આખા જન્મારો છે.

લા. કુમુદની કુસુમ તે
બીજા કોઈની નહી.”

પત્ર વાંચતાં વાંચતાં કુમુદ કંઈ હસતી હતી, કંઈ ખિન્ન થતી હતી, અને બીજા પણ અતર્ક્ય વિચારો એના હૃદયમાં આવતાં હશે એવું તેના કપાળની કરચલીયોથી, ભ્રમરના ભંગથી, આંખોનાં પોપચાંના પલકારાથી, અને ગાલપર ફરતા અસ્પષ્ટ રંગોથી, જોનારને સમજાય એમ હતું, અને તે જુવે એવી વસ્તી એની પાસે પ્રત્યક્ષ હતી. વાંચીને એ પત્ર એણે ચંદ્રકાંતને આપ્યો ને આપતી આપતી બોલી.

"ચંદ્રકાંતભાઈ, આપ જે વિચાર કરો તેમાં આમાંથી પણ કંઈ કંઈ વિચારવાનું જડશે તે શોધી ક્‌હાડજો.”

બે મિત્રોએ પત્ર વાંચ્યો. સરસ્વતીચંદ્ર ગમ્ભીર થઈ બોલ્યા ચાલ્યા વિના બેસી રહ્યો. ચંદ્રકાંતે પોતાના ઉપરના બીજા પત્રો ઉપર આંખ ફેરવવા માંડી ને અકેકે પત્ર વાંચી વાંચી મુકતો ગયો તેમ તેમ સાર ક્‌હેતો ગયો.

“ઉદ્ધતલાલ, તરંગશંકર, વીરરાવ, લક્ષ્મીનંદનશેઠ, હરિદાસ, બુલ્વરસાહેબ, અને બીજાઓ પણ સરસ્વતીચંદ્રને ઓળખી જુબાની આપવા આવવાના છે. – સરસ્વતીચંદ્ર, તમારે માટે તો મ્હોટો મેળો