પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૨

તમારો નિર્ણય જાણવાનો અવકાશ પછી મળવો દુર્લભ. બીજાને અમારો બેનો સ્વપ્ન અને જાગૃત સંસાર ક્‌હેવો કઠણ છે ને તેમનાથી સમજાવો મનાવો અશકય છે.”

ચંદ્રકાંત કંઈક વિચાર કરી બોલ્યો, “ તો સાંભળો. વિચારનો જે સાપ તમે મ્હારે માથે નાંખ્યો તે ઉછળી મ્હારે તમારે માથે નાંખવાનું થાય એમ છે. તમારા યોગ અને ચિરંજીવોનાં ઇંદ્રજાળને હું માત્ર માનસિક શાસ્ત્ર – Psychology – નો ચમત્કાર માનું છું પણ તેમાં ઘણે અને ઉંડે બોધ જેટલો ભરેલો છે એટલો જ તમારાં હૃદયના રસનો સમાગમ પણ તેમાં ફુવારાની ઉંચી ધારાઓ પેઠે ઉડી રહેલો છે. આ સુંદર પવિત્ર સ્વપ્નનાં ચિત્ર-પ્રત્યક્ષ કરી તમને વિવાહના સમાગમમાંથી પળવાર પણ દૂર રાખવાને ચંદ્રકાંતનું હૃદય કહ્યું કરે એમ નથી. તમારા ભવ્ય અને લોકકલ્યાણેચ્છક અભિલાષો સિદ્ધ થાય તો આ દેશમાં નવી રમણીય અને સુખકારક સૃષ્ટિ ઉભી થવાની, તેમાં વિલમ્બ પડે છે તેથી પણ હું અધીરો, થઈ જાઉં છું પણ આપણા હાલના આર્ય સંસારમાં એ સર્વ સુંદરતાનું તેજ, તમારા “ પુનર્લગ્ન” ક્‌હેવાતા તમારા નવા લગ્નની છાયાથી, કાળું પડી જશે, તમે શૂદ્ર હો તેમ લોક તમારા સંસર્ગથી દૂર ર્‌હેશે, અને તમારી અપકીર્તિને લીધે, પૃથ્વી ઉપર વૃષ્ટિ કરવા નીકળેલાં વાદળાંની ધારાઓ ખારા : સમુદ્રમાં પડી જાય ને પૃથ્વીને બિન્દુ પણ ન અડકે તે રીતે, તમે વરસાવવા ધારેલા કલ્યાણમેઘ લોકને ઉપયોગી ન થતાં નકામે સ્થાને ગળી જશે અથવા જાતે વેરાઈ જશે.

“જો તમારું લગ્ન નથી થતું તો તમારાં સુન્દર પવિત્ર સ્વપ્ન નિષ્ફળ જશે, તમે વેઠેલું તપ નિષ્ફળ થશે, તમારા રસોત્કર્ષની વીજળીના ચમકારાને સ્થાને અમાસની રાત્રિ જેવું થઈ જશે, અને સ્ત્રીસૃષ્ટિદ્વારા આર્ય લોકને તમે કરવા ધારેલાં કલ્યાણ કરવામાં અવિવાહિત સરસ્વતીચંદ્ર સાધનહીન ર્‌હેશે. અને જે તમારો વિવાહ થશે તો સાધનવાળા થયેલા સરસ્વતીચંદ્રનાં સાધનમાત્ર લાકડાની તરવાર જેવાં થઈ જશે.

“સ્થૂલ પ્રીતિને દૂર રાખી, તમારાં સૂક્ષ્મ શરીરનો સમાગમ રાખી, શરીરના સંબંધ માત્રનો ત્યાગ કરી મનોમનની મિત્રતાથી જ, આ લોકકલ્યાણમાં પ્રવૃત્ત થવા ઇચ્છતાં હો તો તે પણ તમારી વૃથા કલ્પના જ સમજવી. આપણા લોક કોઈપણ સ્ત્રી અને પુરુષને સાથે ઉભેલાં દેખે એટલે સ્થૂલ સમાગમ જ માને છે. તેમની તુલામાં બીજાં કાટલાં નથી. સેંકડો વર્ષના સંસ્કારોથી અને અભ્યાસથી યુરોપનાં સ્ત્રીપુરુષો એકાંતમાં