પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૬


હૃદયમન્ત્ર વિના કંઈ પણ અન્ય વાત સાધુજનો ગુપ્ત રાખતાં નથી તે ગુણીયલથી ગુપ્ત નહી રહું. ને એ કાલ આવશે ત્યારે તેમને મળીશ, તેમને શાન્ત કરીશ, અને હું અને મ્હારી કુસુમ મળી કાંઈક યોગ્ય માર્ગ ક્‌હાડીશું તેમ ચન્દ્રાવલીબ્હેન રાત્રે આવવાનાં છે તેમને પણ અમારા મન્ત્રમાં ભેળવીશું.

સરસ્વતીચંદ્ર જોઈ રહ્યો.

કુમુદ૦– જેની સાથે આવા આટલા અદ્વૈતથી મ્હારું હૃદય એક થયું છે તેને શંકા ઉપજાવવા જેવું હજી સુધી તો મ્હેં કાંઈ કર્યું કે કહ્યું નથી.

સર૦- હું જાણું છું કે તમે સાધુજન છો, અને चित्ते वाचि क्रियायां च साधूनामेकख्षता [૧]. એ સાધુજનનું લક્ષણ પામવા આપણે પ્રયત્ન કરીયે છીયે. પણ લોકના સંસારમાં અનેક અનર્થસ્થાન હોય છે. માટે કહ્યું છે કે- घनाम्बुना राजपथे हि पिच्छिले क्कचिद्रुधैरष्यपथेन गम्यते [૨] તમે જે સ્થાનમાં જવાનાં છો તેમાં તમારું ક્ષેમ છે, પણ આપણા યોગ કે વિયોગને માટે જે કાંઈ યોજના થશે તેથી તમે ગમે તો હૃદયમાં મુઝાશો, ગમે તે લાજશો, અને ગમે તો બીજાંનાં હૃદયનું અનુવર્ત્તન કરવા તમારા પોતાના હૃદયનો ભોગ આપશો. તમારા હૃદયની કે તમારી વાણીની કે ક્રિયાની એ અવસ્થા થશે તો તેમાંથી તમને મુક્ત કરવા મ્હારી વૃત્તિ જેટલી મ્હારી શક્તિ હશે કે કેમ તે હું શી રીતે કહી શકું ? પણ પાર્વતીને શિવજીએ કહ્યું હતું કે विमानना सुश्रु कुतः पित्तुर्गृहे [૩] તે છતાં પૂર્વાવતારમાં તેને પિતાના ગૃહમાં વિમાનના થઈ હતી ને તેણે દેહ ત્યાગ કર્યો હતો તેમ તમારે કરવાનો અવસર ન આવે એટલું લક્ષ્યમાં રાખજો, તમારું કુટુંબ, તમારાં મન, વાણી, અને ક્રિયાને પ્રતિકૂળ નહીં હોય ત્યાં સુધી હું સ્વસ્થ રહીશ. મ્હારા ઉપર ને બીજાં ઉપર આ આજ્ઞાપત્ર તમે જેયાં ને જાણ્યાં – તેનું મને લેશ પણ ભય નથી, ને સુજ્ઞ પુત્રીવત્સલ માતાપિતા ભણીથી તમને પણ ભય નહીં થાય. પણ સંસારની રૂઢિઓ અન્યથા છે ને તેમાંથી તમારી સ્વાધીનતાને કંઈ ભય પ્રાપ્ત થશે કે સંસાર તમારા સ્થૂલ કે સૂક્ષ્મ શરીરને કોઈ પણ રીતે પ્રહાર કરશે તે મ્હારાથી જોઈ નહીં ર્‌હેવાય.


  1. ૧. ચિત્ત, વાણી, અને ક્રિયામાં સાધુજનોનું એકરૂપ હોય છે
  2. ર. વાદળાંની વૃષ્ટિથી રસ્તા ઉપર દેખાય નહીં એવું થાય ત્યારે જાણીતા રાજમાર્ગ ઉપરપણ વિદ્વાનો જેવા ભુલા પડે છે અને ન જવાને રસ્તે ચ્હડી જાય છે : નૈષધ.
  3. ૩. હે સુભ્રુ ! પિતાના મંદિરમાં તે ત્હારું અપમાન શી રીતે હોય ? –કુમાર.