પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૭


કુમુદ કંઈક સ્મિત કરી બોલીઃ “એની ચિન્તા ન કરશો. સાધુજનોએ રાંક કુમુદને નવી શક્તિ આપી છે ને એની સાધુતા આપના અદ્વૈતથી પરિપુષ્ટ થઈ છે – તો હવે શા માટે ઉંચો જીવ રાખે છે ? "



પ્રકરણ ૪૫.
કંઈક નિર્ણય અને નિશ્ચય.
The star of the unconquered will,
He rises in my breast,
Serene, and resolved, and still,
And calm, and self-possessed.
Longfellow.

વાર્ત્તા પ્રસંગ ધીમે ધીમે પુરો થયો ત્યાં કુમુદ સાધ્વીઓમાં ગઈ ને બે મિત્રો બ્હાર ફરવા નીકળી પડ્યા. વિદ્યાચતુરના ઘરના, બે પુત્રીઓ અને ત્રીજા સરસ્વતીચંદ્રના સંબંધમાં ગુણસુન્દરીના હૃદયના દુઃખના, કુસુમના તીવ્ર અભિલાષ સાથેની એની બુદ્ધિના, સરસ્વતીચંદ્રના ગૃહત્યાગવિષયે કુસુમના દૃઢ પક્ષવાદના, અને અંતે લક્ષ્મીનંદનના દુઃખના અને ધૂર્તલાલની ધૂર્તતાના ઇતિહાસના, સર્વે સમાચાર ચન્દ્રકાંતે ધીમે ધીમે સરસ્વતીચંદ્રને વિસ્તારથી કહી દીધા અને એ શ્રોતાના હૃદયના મર્મભાગમાં એ વક્તાએ બેસાડી દીધા – ચ્હોટોડી દીધા.

રાત્રે ચંદ્રાવલી કુમુદને મળી, પોતાની મધુરીને પ્રધાનપુત્રીરૂપે ઓળખી લીધી, અને ગુરુજીની કૃપાથી મળેલી પઞ્ચરાત્રિના પ્રસાદની વાર્ત્તા જાણી લીધી – તે પછી છેક મધ્યરાત્રિ સુધી બે મિત્રો, ચંદ્રાવલી, અને કુમુદ, ચાર જણ સૌમનસ્યગુફામાં બેઠાં અને એ વાતો, જેટલા અંતરપટ અને જેટલા પ્રકાશ યોગ્ય લાગ્યા તેટલાથી, કરી; હવે શું કરવું તેની ચર્ચા ચલાવી તેમાં પણ કોઈને કાંઈ સુઝ્યું નહી અને અંતે કુમુદ અને ચંદ્રાવલી વસંતગુફામાં જઈ સુઈ ગયાં, અને બે મિત્રો સૌમનસ્યગુફામાં સુઈ ગયા. શું કરવું તેના વિચારમાં કુમુદ એકલી આખી રાત્રિ ઉંઘી શકી નહી, પણ ઉઘાડી આંખો રાખી જાગતી સુઈ રહી અને ચંદ્રાવલીની આંખો વચ્ચે વચ્ચે ઉઘડે ત્યારે તેની સાથે આ જ પ્રકરણ ક્‌હાડતી. બે મિત્રો તો સ્વસ્થ નિદ્રા પામીને જ સુતા. માત્ર એકાદ વેળા ચંદ્રકાંતની આંખ ઉઘડતાં તેને કંઈક હસવું આવ્યું પણ તરત પાછો નિદ્રાવશ થયો.