પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯૮


પ્રાત:કાળે કન્થા પ્હેરી કુમુદ, સરસ્વતીચંદ્ર પાસે આવી અને હાથ જોડી પગે લાગી બોલી.

“મ્હારી દુ:ખી જનની પાસે જઈ આવવાની આજ્ઞા માગવાને હું આપની પાસે આવી છું અને એવી પણ વિજ્ઞપ્તિ કરું છું કે અવકાશે આપ પણ ત્યાં પધારશો અને તેને આશ્વાસન આપશો. આપ, હવે ગુરુજીને મળી, જ્યાં ર્‌હેવાના હો તે, અને આપ બે મિત્રોના એકાંત સમાગમનો જે અવસર આપને અનુકૂળ હોય તે, ચંદ્રાવલી બ્હેનને ક્‌હાવશો તે પ્રમાણે હું આપને મળીશ અને કુમુદ, કુસુમ, અને ચંદ્રાવલી ત્રણ બ્હેનોનો વિચાર જે થશે તે જણવી આપની આજ્ઞા શોધીશ.

“ચંદ્રકાંતભાઈ, આપે કન્થા પ્હેરી નથી તો પણ સાધુજન છો અને સર્વ જાણો છે તો વધારે શું કહું ? પિતાજીને લખવું યોગ્ય લાગે તો લખશો. મ્હારે ભાઈ નથી પણ અમે બે પુત્રીઓ એમની દૃષ્ટિમાં પુત્રથી પણ અધિક લાગીયે છીયે અને એમના હૃદયને સંતાપનું કારણ થઈએ છીયે તે પણ એમના સ્નેહને લીધે. આપના મિત્ર ધર્મને અધિક માને છે ને હું સ્નેહને માનું છું – કારણ ધર્મ સમજવા જેટલી મ્હારી વિધા કે બુદ્ધિ નથી. પણ એમના ધર્મનો ને મ્હારા સ્નેહનો સાર એક જ આવે છે ને આપ પણ સ્નેહને માનો છે તો આ કન્થા પ્હેરીને પણ મ્હારાં ગુણીયલને અને કુસુમને મળવા જાઉં છું, ને જ્યારે મ્હારા હૃદયનું નિરાકરણ આપ બેને સુઝતું નથી ત્યારે હું અને મ્હારી બહેન અમારી બાળકબુદ્ધિથી અને સ્ત્રીબુદ્ધિથી જે કાંઈ નિર્ણય કરી લાવીયે તે આ મ્હારા હૃદયના યોગના યોગીરાજના હૃદયમાં ઉતરે એટલો આશ્રય આપજો”

આટલું બોલતી બોલતી કુમુદની આંખોમાં આંસુ સરતાં હતાં અને નીચું જોઈ તે ઉભી રહી. બે મિત્રો પરસ્પર સામું જોઈ રહ્યા અને અંતે બોલવા લાગ્યા.

સર૦– જ્યાં સુધી તમારાં નેત્રમાંથી આંસુ સુકાયાં નથી ત્યાં સુધી મ્હારા હૃદયનો તાપ શમતો નથી, અને તે માટે જ તમારી હૃદયગુહામાંના ઉંડાં મર્મસ્થાનની અવગણના કરી તમે મ્હારે માટે સ્વાર્પણ કરવા તત્પર થશો એ ભય મને છે. તેથી જ હું તમારા મુખના ઉદ્ગાર્ પ્રમાણે ચાલવાનું વચન આપતાં એ વચનમાં મર્યાદા મુકું છું. તમે સાધુજન છો, મ્હારી સાથે અદ્વૈત પામેલાં છો, અને તમે પૃથ્વીસ્વરૂપ છો તેમ હું દ્યૌસ્વરૂપ છું એ પરિણામ સંસિદ્ધ થયો છે તો તમારે મ્હારી