પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૨

દર્શનથી તે શરીરની સાથે મન પણ પ્રફુલ્લ છે એ મ્હારા વિદ્વાન્ મિત્ર ચંદ્રકાંત નામના છે - જેને માટે મહેં સાધુજનોને શ્રમ આપ્યો હતો.

વિષ્ણુ૦- ચંદ્રકાંતજી, તમારા આગમનથી અને ચિરંજીવશૃંગની સિદ્ધિથી તમારા મિત્રના દુઃખનો ધ્વંસ થયો હોવો જોઈએ.

ચંદ્ર૦– આ સ્થાન સર્વને શાંતિપ્રદ જ છે.

સર૦– મ્હારી પ્રબળ વાસનાઓ અને મોહ પણ નષ્ટ થયાં તો તે કારણના કાર્યરૂપ દુઃખનો ધ્વંસ થાય એ તો એ વસ્તુનો સહજ પરિપાક છે.

વિષ્ણુ૦– નવીનચંદ્ર, તમે અતિજ્વલમાન મહાયજ્ઞના અધિકારી છો.

સર૦– જ્યાં આપનો આશીર્વાદ એ અધિકારનું બીજ છે, ત્યાં એ બીજની સફલતા જ નિર્ધારી શકાય છે.

વિષ્ણુ૦– મહાત્મન્! આ લધુમઠની મર્યાદાથી તમારી યજ્ઞવેદિને કુણ્ઠિત કરી ન નાંખશો. અપૂર્વ ચિરંજીવોના અપૂર્વ બોધને સફળ કરવામાં તમારી બુદ્ધિની ગતિ જેટલી દૂરગામિની થશે એટલી અમારી દૃષ્ટિ પણ નહી થાય. સૂર્યના તેજ પેઠે તમારી બુદ્ધિ જ્યારે સંસારમાં પ્રસરશે ત્યારે અમે માત્ર તેના પ્રકાશને અને ઔષ્ણ્યને સ્વીકારીશું.

સર૦– જી મહારાજ, અલક્ષ્ય પરાવર, લક્ષ્ય તરંગો ઉપર આ નામરૂપાદિ વડે લક્ષ્ય થયેલા હું મત્સ્યને, જ્યાં રાખશો ત્યાં ર્‌હેવાને તત્પર છું.

વિષ્ણુ૦– સ્વાધીન મનવાળા મનસ્વી ! એજ વૃત્તિ રાખવી. અલખ મઠનો સંપ્રદાય લખ અધિકારનું પોષણ કરનાર શમને જ “શમ” માને છે અને ક્‌હે છે કે लौकेकसर्वबुद्धिव्यापाराणां स्वाधिकारनुपयुक्ताफलत्वबुद्धिपूर्वकस्त्यागः शमः ॥[૧]જે વ્યાપાર લખ અધિકારને ઉ૫યુક્ત છે તેનું રક્ષણ કરીને જ અન્ય અન્તર્બાહ્ય વ્યાપારોના ત્યાગને શમ દમ કહીયે છીયે ને કૃષ્ણ પરમાત્માએ સાંખ્ય અને કર્મ યોગનો સમાગમ ગીતામાં દર્શાવેલો તે આ જ! સ્વાધીનમનસ્કતા તે જ છે ને વિરાગ પણ તે જ છે -વિહારપુરી !

વિહા૦- જી મહારાજ !

વિષ્ણુ૦– તું કાંઈ ક્‌હેવા ઇચ્છે છે? મધુરીમૈયા સ્વસ્થ છે ?

વિહાર૦- ચિરજીવશૃંગના અધિકારી જીવને સ્વસ્થતા જ પ્રાપ્ત થાય છે, અને આવા સુંદર જીવાને તો આપે ધારેલી પઞ્ચ રાત્રિને સટે ચાર રાત્રિમાં એ સ્વસ્થતા પ્રાપ્ત થઈ તે તેમના અંતઃસાંદર્યનો પ્રતાપ ! આપની મુખમુદ્રાથી કાલનું અમે જાણી ગયા હતા કે પાંચમી રાત્રિની અપેક્ષા નહી ર્‌હે.


  1. ૧. શારીરિક ભાષ્ય ઉપર આનંદગિરિની ટીકા.