પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૪


વિષ્ણુ૦– “નવીનચંદ્ર ! આ જીવન્મુકિત : અને તે આપણા સાધુજનોને જ સાધ્ય છે ! અન્ય જીવન્મુકિતની કથા તો તમે પ્રત્યક્ષ કરેલા અશ્વત્થામાનું નિવૃત્તિસ્થાન તેમ નિગ્રહસ્થાન છે. એ સ્થાન શોધવા યોગ્ય છે – પામવા યોગ્ય છે, પણ કમલેાદરમાં ભ્રમર બન્યન પામે તેમ આ આટલી જીવનમુક્તિમાં બન્ધન પામનાર જીવસ્ફુલિંગે આત્મવઞ્ચનાને પામે છે. ઉપાધિરૂપ ખીલાઓમાંથી નહી પણ એના બળમાંથી મુક્ત થવાથી, ગર્ભસ્થાનમાંથી મુક્ત થયેલા શરીર પેઠે, જીવસ્ફુલિંગ નિષ્કામ યજ્ઞકાર્યને માટે સમર્થ થાય છે અને તે સમર્થતા પ્રાપ્ત થતાં એ યજ્ઞકાર્ય એને લક્ષ્ય ધર્મ થાય છે. અલક્ષ્યપરાવર – પરમબ્રહ્મ – નું લક્ષ્યાત્મનિધિ - સ્વરૂપ - જેને સંસાર ઈશ્વરને નામે ઓળખે છે, જેને શ્રુતિ સુપર્ણયુગલમાંનું ઈશ - અંગ ક્હે છે - તે સ્વરૂપ સાથે સાયુજ્ય પામ્યા વિના અલક્ષ્યપરાવરમાં સાયુજ્ય પામવાની કલ્પના મિથ્યા છે. સમુદ્રમાં પવનાદિ કારણથી તરંગો ઉત્પન્ન થાય છે તેની શાંતિ સમુદ્રમાં જ છે – સ્વયોનિમાં છે અને પ્રલયકાલે સમુદ્રાદિક પણ પરમ સ્વયોનિમાં પ્રાપ્ત થાય ત્યારે જ તરંગો પણ તેની સાથે એ પરમ યોનિમાં પરમ લય પામે છે તેમ જીવઅંગ ઈશઅંગરૂપ સ્વયોનિમાં પ્રાપ્ત થઈ તે દ્વારા જ અલક્ષ્યપરાવરરૂપ પરમ યોનિમાં પ્રાપ્ત થાય છે. પરમ લક્ષ્યાત્મા ઈશને પ્રાપ્ત કરવાનો આ એક જ માર્ગ છે – તે માર્ગ નિષ્કામ મહાયજ્ઞવિધિ વિના અન્ય સમજશો નહી. તમને મુદિત આશય પામવાની દીક્ષા છે તે લોકમુદિત આશયની નહી પણ ઈશ-મુદિત આશયની સમજજો. લોક અજ્ઞાની છે તેમના મોદ કે અનુમોદ સાથે સાધુજનોને સંબંધ નથી, પણ તેમના કલ્યાણ સાથે ઉત્તમાધિકારીયો સંધાય છે. લોકનું કલ્યાણ એ જ પરમ લક્ષ્ય ઈશનો મુદિત આશય છે અને તે આશય તમારા હૃદયમાં વ્યાપી રહ્યો છે તે તમે તે પરમ સ્વરૂપનો યોગ પામવાના માર્ગમાં છે અને તમારા આયુષ્યના સર્વ અંશ એ માર્ગને ઉતરી ર્‌હશે ત્યારે તમે એ યોગનું અવસાન પામશો.

“નવીનચંદ્રજી ! શ્રી યદુનંદનની પૂજનવેળાના આ ઘંટારવ અને શંખનાદ તમે સાંભળો છો. એ પૂજનવિધિ લક્ષ્યમહાયજ્ઞ નો સાંકેતિક [૧] છે. જે લોકમાત્રનો રક્ષક-પોષક પરમાત્મસ્વરૂપની આ સ્થાનમાં સાંકેતિકી પ્રતિમા છે તે જ સ્વરૂપની શુદ્ધ પ્રતિમા ભૂતમાત્રનાં અંતઃકરણોના સદ્દભાગરૂપ મંદિરમાં વ્યાપી રહી છે. ષોડશોપચારથી અને અન્યવિધિથી ભક્તજનો સાંકેતિક પ્રતિમાને અન્નવસ્ત્રાદિકનું અને પોતાના સર્વસ્વનું નિષ્કામ અર્પણ કરે છે


  1. ૧. Symbolical, સંકેતવાળો