પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭૬


પ્રકરણ ૪૭.
મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.


I, through the ample air in triumph high,
Shall lead hell captive, mauger hell, and show
The powers of darkness bound.-Milton,

જેચોકમાં ને કુંજવનમાં કુમુદસુન્દરીનું સાધ્વીઓયે સખીકૃત્ય કર્યું હતું તે જ સ્થાનમાં પ્રધાન કુટુંબને માટે મ્હોટા બેવડી કનાતના તમ્બુઓ માર્યા હતા, અને કુમુદ વસન્તગુફામાંથી નીકળી તે પ્હેલાં તો આ તમ્બુઓમાં એનું કુટુમ્બ દાખલ થઈ ગયું હતું. ત્યાંના કદમ્બવૃક્ષને વચ્ચે રાખી ચાર પાસ ચાર તમ્બુઓ ને વચ્ચે માંડવા અને રાવઠીઓ ઉભી કરી દીધી હતી ને છેટે કનાતના માંડવા રસોઈને માટે બાંધ્યા હતા.

મેાહની મૈયાને સંદેશો આ પ્હેલાંની રાત્રિએ ક્‌હાવ્યો હતો અને તંબુઓ આગળ પથરાઓ ઉપર ન્હાની શેતરંજીઓ પાથરી સર્વ દાતણ કરવા બેઠાં તે વેળા મોહની અંહી આવી, અને એને જોઈ દાતણ કરી રહેલી ગુણસુંદરી સામી ઉઠી.

“જય શ્રી યદુનંદન ”– કહી બે જણાં સામાસામી પથરાઓ ઉપર બેઠાં. મોહનીએ યદુનંદનનો પ્રસાદ પડીયામાં ભરેલો આપ્યો.

“સાધુજનોમાં શાંતિ અને સ્વસ્થતા છે ? – પરિવ્રાજિકાઓના ધર્મવ્યવહાર સુખથી નિર્વિદ્ય પ્રવર્તેછે ?” ગુણસુન્દરીએ પુછ્યું.

મેહની૦– મહારાજાની આણ વર્તે છે ને પ્રધાનજી હિતચિન્તન કરે છે ત્યાં સાધુજનોને બાહ્ય ભય તો નથી જ, અને વિષ્ણુદાસજી જેવા ગુરુજન જાગૃત છે ત્યાં સુધી પરિવ્રાજિકાઓ સાધુતાનો ઉત્કર્ષ જ અનુભવે છે.

ગુણ૦- મોહનીમૈયા, હું કાંઈ કાર્યસર આવી છું ને તેમાં તમારો આશ્રય શોધવાનો છે.

મેાહની૦- ગુણસુન્દરી જેવાં પ્રધાનપત્ની કાંઈ પણ સત્કાર્યની જ વાસના રાખશે. સામાન્ય જનને પણ સત્કાર્યમાં આશ્રય આપી સાધુજન કૃતકૃત્યતા માને છે તો આપની વાસનાની તૃપ્તિમાં તો સાધુજનોને એાર આનંદનું કારણ છે.