પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦૭


ગુણ૦ –મ્હારાં માતા અને મ્હારાં બ્હેન ગણી તમારી સાથે વાત કરું છું.

મેાહની૦– પરિવ્રારાજિકામઠની અધિષ્ઠાત્રીને એવી વત્સલતાની ચિન્તાઓ પ્રકૃતિ થઈ પડી છે.

ગુણ૦- તમારી પાસે કાંઈ ગુપ્ત વાત ક્‌હેવી છે ને ગુપ્ત વાત પુછવી છે.

મોહની– દમ્પતીનાં પરસ્પર રહસ્ય વિના અન્ય વાત સાધુજનોને પોતાને ગુપ્ત નથી, તેમ વિશ્રમ્ભથી અને ગુપ્ત રાખવા દુ:ખી જનોએ ક્હેલી કથા ગુપ્ત રાખવી એ તો દુ:ખી જનને માટે પ્રથમ ઐાષધ છે તેમાં સાધુજનની વૈદ્યવિદ્યા ચુકે એમ નથી. બાકી આ તો આપનું જ મંડળ છે તેનાથી શું ગોપ્ય છે તે આ૫ જાણો.

ગુણ૦– આ મંડળથી કાંઈ ગોપ્ય નથી. મોહનીમૈયા, મધુરીમૈયા નામની બાલા તમારે ત્યાં છે ?

મોહની૦– એણે અમારા આતિથેયનો સત્કાર કર્યો છે, એ સર્વ સાધુજનોનું અને સાધ્વીઓનું જીવન થઈ પડી છે, અને પરમ દિવસ જ એ સ્વયંભૂ અભિલાષથી કન્થાધારિણી થઈ છે.

ગુણ૦- અમેં ડુબી ગઈ ધારેલી મ્હારી પુત્રી એ હોવાનો સંભવ છે.

મેહનીo – કમળમાં પરાગ ઉદ્ભવ પામે તો તે ઉચિત જ છે.

ગુણ૦– એનું મૂળ નામ કે એના કુટુંમ્બનું નામ કોઈ સાધુજન જાણે છે ?

મોહની૦– એક જાણે છે એ પોતે ને બીજા ગુરુજીના પરમ પક્ષપાતનું સ્થાન થયેલા પરમ સાધુજન નવીનચંદ્રજી જાણતા હોય એવું અનુમાન છે.

ગુણ૦– એ મ્હારી પુત્રી હશે તો સાધુજનોએ એને અમારે સ્વાધીન કરવી પડશે.

મેાહની૦- સ્વાધીન થવાની એની ઇચ્છા હશે તે સાધુજનોનો ધર્મ તેમાં અંતરાય થઈ પડવાને નથી. પણ સાધુજનોને શરણે આવેલી મધુરીને એની ઇચ્છા ઉપરાંત કોઈને સ્વાધીન કરવાનો સાધુજનોનો ધર્મ નથી અને તેમ કરતાં તેમના જીવ ચાલે એમ પણ નથી. સાધુજનને આશ્રિત થયેલાં સાધુ જીવનને દુભવવાને કે પોતાને વશ કરવાનો અધિકાર રત્નનગરીના મહારાજોને પણ નથી એ સુપ્રસિદ્ધ વાત આપનાથી અજાણી નહી હોય.