પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૬


સુન્દર૦– ભાભીજી, કાંઈક યુગ જ નવો બેસવા માંડે છે જે આપણે સ્ત્રીઓએ કરવાનું કામ પુરુષોએ હાથમાં લેવા માંડ્યું !

ગુણ૦– ઈંગ્રેજી વિદ્યા સ્ત્રીઓની સ્વતંત્રતાનું સાધન ગણાય છે તેણે મ્હારા તમારા અધિકાર જડ મૂળથી કાપી નાંખવા માંડ્યા ને હવે તો દીકરીયો પણ બાપની ઠરી ને આપણી મટી !

સુંદર૦- અધિકાર ને લક્ષ્મીના તેજમાં સઉ તણાય ! મહારાજના પ્રધાને અને કમાતે દીકરે જે કહ્યું તે વડીલ પણ કરે તો દીકરીયો કરે તેમાં શી નવાઈ? એ કાલ દીકરીયોને મ્હેલ ચણાવી આપશે. પણ આપણ રંક જાતના હાથમાં શું હોય જે કોઈ આપણું કહ્યું કરે ? સંસાર સ્વાર્થનો સગો છે ને ભોગની તૃષ્ણામાં જવાનીયાં બધે સ્વાર્થ દેખે છે.

ગુણ૦– સુન્દરભાભી, સ્વામિની નિન્દા વિચારમાં પણ થાય તો પતિવ્રત ભાંગે છે. માટે આ વાત જવા દો. હવે તો આ કાળજું વલોવાઈ જાય છે ને કંઈક દોહ્યલું થઈ આવે છે તેમાંથી છુટાય તો સારું ! સૌભાગ્યદેવી ગયાં ને હું રહી !

બેાલતાં બેલતાં ગુણસુંદરીની આંખોમાં આંસુની ધારાઓ ચાલી રહી.

સુંદર૦– ભાભીજી, તમારે પતિવ્રત છે પણ હું તો કુમુદને સમજાવવાને છુટી છું, શું એ મ્હારું કહ્યું નહી માને ?

ગુણ૦- મેાહનીએ કહ્યું તે ન સાંભળ્યું ? સુન્દરભાભી, જવાદ્યો એ વાત. હવે પ્રાણ ને પ્રતિષ્ઠા સાથેલાગાં જ જશે, બીજો માર્ગ નથી. હું જાઉં છું - જરીક આ કનાત પાછળ જઈને આવું છું – જઈશ – રોઈશ ! મ્હારી જોડે ન આવશો – મને એકલી પડવા દ્યો.

ગુણસુંદરી ઉઠી ને એણે જવા માંડ્યું, એ ગઈ - “ભલે, જરા જઈ આવો, જરા મોકળું મુકશો ત્યારે કળ વળશે” :– સુન્દર બોલી, એક કોચ ઉપર બેસી રહી, ને ક્રોધ ભરેલા મુખથી, ઉછાળો મારી, એક ખુરસી ઉપર બેસી રહેલી કુસુમને ક્‌હેવા લાગી.

“તમને જન્મ આપ્યા તે આ માટે ! જા ! વડીલે આજ્ઞા આપી છે તે જોડેના તંબુમાં જઈને ત્હારી બ્હેનને જે પુછવું હોય તે પુછજે ને કાન ફુંકવા હોય તે ફુંકજે ! હવે તમે બે જણીઓ માની મટી છો ને બાપે બે બળદીયા આંક્યા તે મ્હાલાય તેમ મ્હાલો !"

કુસુમ ધીરે રહી બોલીઃ “કાકી, આકળાં શું કરવા થાવ છો ?