પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૭

બ્હારની વાત સાંભળી બ્હેનને માથે વગર ન્યાયનો આરેાપ શું કરવા મુકો છો? હજી એના મ્હોંની વાત તો જાણી નથી ને પુછી પણ નથી !”

સુન્દર– શું જાણવાનું હતું? ફ્લોરા, તું, મોહની, અને ચન્દ્રાવલી મળી જે ક્‌હો તે ખરું અને હું અને ત્હારી મા ખોટાં - ત્યાં સાંભળવાનું યે શું રહ્યું ? એ ને તું બધાં શું ક્‌હેશો તે ન સમજીયે એવી ન્હાની કીકી હું યે નથી ને ત્હારી મા પણ નથી ! વટલી જઈને બાવી થઈ તે વંઠી જઈને નાતરું કરશે ને ત્હારે બાવી થઈને મીરાંબાઈ થઈ નાચવું છે! દીકરો સપુત ઉઠ્યો તેણે સૈાભાગ્યદેવીને શ્મશાન દેખાડ્યું . ને દીકરીયો કુળદીપક નીવડી તે ગુણસુંદરીને શ્મશાન દેખાડશે ! કુસુમ ! અમારા હાથ નીચા પડ્યા ને હવે તો દીકરીઓ કરશે તે માવરો વેઠશે; માટે તું જા અને જેમ તને સુઝે તે કરજે ને કરાવજે !

કુસુમ૦– હા, હું જાઉં છું ! ને કુમુદ બ્હેનને બધાં તરછોડશે ત્યારે હું એની થઈશ. નથી તેને પુછતાં કે બેટા, શું થયું ? ને નથી તેને ક્‌હેતાં કે તું ગભરાઈશ નહી. મને મ્હારી રજ ચિંતા નથી – આ તંબુની પેલી પાસની ખોમાં કુસુમને ગગડાવી પાડશે તે ખમાશે - પણ આટલી આટલી દુઃખની ચ્હેમાં ગરીબડી કુમુદબ્હેનને નાંખી તેને હવે શાંતિ વાળવાની વાત તો રહી પણ દાઝ્યા ઉપર ડ્હામ દ્યો છો ને નથી કોઈ જોતું ન્યાય કે અન્યાય – તે તો કુસુમથી નહીં ખમાય.

સુન્દર૦- જા, બાપુ, જા.

કુસુમ૦- તે જાઉં છું જ, પણ સરત રાખજો કે ગુણીયલને શાંત કરવાને સટે નકામાં ઉકળવા દ્યો છો ને મા અને કાકી જ કુમુદબ્હેનની વાત સરખી સાંભળવાની વાટ જોતાં નથી તે સઉ પસ્તાશો !

“કળિયુગનું માહાત્મ્ય પૂર વેગથી બેઠું !” એવા શબ્દો કાકીના મુખમાંથી પોતાની પુંઠ પાછળ નીકળતા સાંભળતી સાંભળતી કુસુમ સુન્દરને મુકી બીજા તંબુમાં જઈ તેની બ્હાર માર્ગ ઉપર દૃષ્ટિ જાય તેમ ખુરશી માંડી બેઠી. બે પાસ ઝાડોવાળા લાંબા સાંકડા રસ્તાનો વાંક ઘણો આછો થઈને છેક આઘેથી દૃષ્ટિની હદ બાંધતો હતો. ઉપર ઝાડોની ઘટા, નીચે લાલ માટી વચ્ચે ડબાયલા પથરા ને પથરાઓની વચ્ચે માટી, આખે રસ્તે ઝાડની શીતળ લાંબી પથરાયેલી છાયામાં વચ્ચે વચ્ચે પાંદડાઓમાં થઈને આવતા તડકાની – કરોળીયાની હાલતી જાળ જેવી – જાળીઓ અને કંઈ કંઈ ડાળો વચ્ચેના માર્ગમાં થઈને આવતા તડકાના સાપ જેવા લીસોટાએ : કુસુમની આતુરતાને સ્થાને તૃપ્તિ ભરવા લાગ્યાં ન