પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૮

લાગ્યાં. રસ્તાની છેક પેલી પાસ તડકામાં કંઈક છાયાનો આકાર દેખાય કે ત્યાં થઈને કોઈ માણસે આવતાં હશે એવી કલ્પનાથી તે ચમકતી હતી ને ઉભી થઈ થઈને, આંખો ઝીણી કરીને, દૂર દૃષ્ટિ નાંખતી હતી; કોઈક વેળા કલ્પના ખોટી પડતાં બેસતી હતી; કોઈક વેળા માણસને સટે ગાયો, ઘેટાં, હરિણ, ને કુતરાં આવતાં દેખાતાં; કોઈ વેળા ભીલ, સાધુઓ, યાત્રાળુઓ, વગેરે આવજા કરતાં નીકળતાં; પણ બ્હેનને જોવાની આતુર આંખો થાકી નહી.

એ માર્ગના છેડાની પેલી પાસ માનચતુર રસ્તાની એક પાસ “માઈલ” દર્શાવવાના પથરા ઉપર, હાથમાં લાકડી ને લાકડીની ટોચ ઉપર હડપચી ટેકવી, બેઠો હતો ને જે આવે તેને તેની પાછળ કોણ છે એવું પુછતો હતેા.

અંતે ચન્દ્રાવલી અને કુમુદ માનચતુરની દૃષ્ટિમર્યાદામાં દેખાયાં. કુમુદે ભગવી કંથા ધારી હતી ને ચન્દ્રાવલીની આંગળીયે વળગી ધીરેથી વાતો કરતી કરતી આવતી હતી. એના મુખ ઉપર શોકને સ્થાને ધૈર્ય, શાન્તિ, સ્થિરતા, અને આગ્રહ હતાં, ને એના કપાળ વચ્ચે ઉભા તિલક પેઠે બે ત્રણ ઉભી કરચલીયે વળી હતી. થાકેલી લાગતી હતી પણ એના પગ થાકને ન ગાંઠતાં નવા પ્રાણથી ઉપડતા લાગતા હતા. એની દૃષ્ટિ છેટેથી માનચતુર ઉપર પડી તેની સાથે એ ઉભી રહી, વાતો કરતી અટકી, ને ચન્દ્રાવલીને ચાલતી અટકાવી.

“કેમ, બેટા, અટકી ? ” ચન્દ્રાવલીએ ચિન્તાથી પુછયું.

કુમુદ૦– મ્હારા વૃદ્ધ પિતામહ જેવું કોઈ છેટે દેખાય છે.

ચન્દ્રા૦- એ તો એ જ. બેટા, જે અતિવત્સલ ધર્મિષ્ટ પિતાની તું પુત્રી છે તેના પુણ્ય શરીરનું આ ઉદ્ભવસ્થાન તું પરમ તીર્થ જેવું ગણજે. સંસારના અભ્યાસ એમની પાસે બે કઠોર વચન બોલાવે તો હિમાચલના કર્કશ કઠિન પથરાઓ વચ્ચે વચ્ચેના અવકાશમાં ગંગાજીનું મિષ્ટ અમૃત જળ પોતાનો માર્ગ કરે તેમ, તું પણ મિષ્ટતા છોડ્યા વિના ચતુર ગતિથી ચાલજે.

કુમુદ૦- પ્રલયને પ્રસંગે સૃષ્ટિની ચિન્તા કરતા પરમપુરાણુ વૃદ્ધતમ નારાયણ એકલો જાગે છે તેમ એ મ્હારા પરમ વત્સલ વડીલ મ્હારી ચિન્તા કરતા જ બેઠા હશે.

તે બોલતી હતી એટલામાં તો માનચતુર જ તેની પાસે આવ્યો ને એનું મુખ જોવા નીચે વળી બોલ્યો: “મ્હારી કુમુદ !”