પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૩
પ્રકરણ ૪૯.
પુત્રી.
મ્હારી માવડી ! શાને તું આમ
આંસુંડાં ઢાળે રે ?

ક તમ્બુમા માનચતુર, ગુણસુન્દરી, સુન્દર અને ચંદ્રાવલીની વાતો ચાલી. બીજામાં બે બ્હેનોની ચાલી. એક ઠેકાણે ચન્દ્રાવલી જ બોલતી હતી. બીજામાં કુમુદ જ બોલતી હતી. દશ વાગ્યા, અગીયાર વાગ્યા, બાર વાગ્યા, ને ભોજનની વેળા થઈ. ચંદ્રાવલીએ ગુણસુન્દરીને બુદ્ધિધનના ઘરના કાળથી માંડી આજની સવાર સુધીની કુમુદની કથા કહી દીધી ને ગુણસુન્દરી ભૂતકાળનો શોક છોડી શાંત થઈ, પુત્રી નીતિથી ભ્રષ્ટ નથી થઈ જાણી નિવૃત્તિ પામી, અને માત્ર ભવિષ્યના વિચારમાં પડી. એ વિચાર ભોજન પછી કરવાનો ધાર્યો.

કુમુદ પોતાની વાત અર્ધી પણ પુરી કરી શકી નહી અને પોતાને આવેલાં સ્વપ્નનો ઇતિહાસ સરસ્વતીચંદ્રે લખેલો આણ્યો હતો તે બ્હેનને બતાવવાનો તો બધોયે બાકી રહ્યો. ભોજનવેળા થઈને તેડું આવ્યું ત્યારે કુસુમે ક્‌હાવ્યું : “તમે બધાં ત્યાં જમી લ્યો અને અમારે માટે પાસેની રાવઠીમાં બે થાળીયો ભરીને મુકો.” સુન્દર તંબુ બ્હાર તેડવા આવી ઉભી – કુસુમ બ્હાર જઈ બોલી : “બ્હેનને હજી પોતાનું મ્હોં બતાવવાનો અધિકાર મળ્યો નથી. કાકી, અમારી થાળીયો મોકલો. જમવું હશે તો જમીશું ને નહી જમવું હોય તો તે જમનાર સુન્દરગિરિ ઉપર અભ્યાગત ઘણાય બેાલાવીયે એમ છે. બ્હેન વટલી તો આમ પણ વટલે – બ્હેન મોઇ જાણી તે કુસુમને પણ એવી જ જાણજો! કાકી, મ્હારું હવે ત્યાં કામ નથી.”

સુન્દર૦- હું તમને બેને બોલાવવાને આવી છું.

કુસુમ૦– કામ વગર બોલાવે તે નકામું ને અધિકાર વિના આવીયે તે ખોટું.

સુન્દર૦– બોલાવીયે તે અધિકાર ને જમવાનું એ કામ.

કુસુમ૦– મન વગરનું માન ને માન વગરને પરોણો – એ દૂરથી જ નમસ્કાર કરવા જેવાં છે.