પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨

ભળીશું તો સરકાર અમારો પણ અવિશ્વાસ કરશે અને એ પોપટની દશા તે અમારી દશા થશે એમ હું માનું છું. તમારા સંગથી અમને થવાના ભાવી લાભ તમે દેખાડો છો તેના કરતાં આ દશા પામવાથી અમારી દુર્ગતિ વધારે થશે એવું પરિણામ, જમે ઉધારનું સરવાયું ક્‌હાડતાં, મને સ્પષ્ટ સુઝે છે.”

ચંદ્ર૦ – “લાભાલાભનો વિચાર કરતાં વર્તમાન પ્રવાહ કેણી પાસ વળે છે એ જોઈને તમારા ભાવિનો વર્તારો ક્‌હાડો.”

પ્રવીણ૦ – “તમે જોશી થવાનો આરંભ કરો છો; હું વૈદ્ય થવાની ઈચ્છા રાખું છું. તમે science ને નામે fatalismની જાળમાં ગુંચવાયા છો; હું free willનો સત્કાર કરી duty શોધું છું ને તેમાં ઇષ્ટ પરિણામ જ જોઉંછું. તમે પ્રચ્છન્ન પ્રારબ્ધવાદી છો; હું પુરુષાર્થવાદી છું.”

ચંદ્ર૦ – “એ જેમ હો તે હો; એક ચર્ચામાં બીજી નહી ભેળીએ. જો મનુષ્યની દૃષ્ટિ ભાવી સત્યને પ્રત્યક્ષ કરી શકે તો એ સત્યના પાયા ઉપર એનો ધર્મ છે. શું તમારો ધર્મ એવો છે કે આંખો મીચી, મનના તર્ક ફરવાવે એમ તરવાર વીંઝવી? સામાન્ય શત્રુના દર્શનથી એકત્ર થયેલું જર્મની, એ દર્શન બન્ધ થતાં, છિન્નભિન્ન થઈ જશે. એક મ્યાનમાં અનેક તરવારો સમાતી નથી; એક સ્ત્રીના અનેક સ્વામી હોતા નથી; એક સત્તાના અનેક ભાગીયામાંનો બલિષ્ટ ભાગીયો સર્વની સત્તા પોતાના ઉદરમાં સ્વાહા કરવાનો. તમારી સત્તા ઈંગ્રેજ સરકારના પેટમાં પચી જવાની. વૈરાટ સ્વરૂપના મુખમાં જવા નિર્મિત થયેલા પ્રવાહો જોઈ અર્જુન ધર્મ સમજયો છે તેમ તમારો પ્રવાહ જેના મુખમાં વળે છે તે જોઈ તમારો ધર્મ સમજો. રાજકીય સંયોગને અંતે ન્હાનાં રાજ્યોને ધીમે ધીમે મ્હોટાં રાજયોમાં લય થવાનો, સૂર્યના તેજ જેવી સત્તામાં તારા અને ચંદ્ર જેવાની સત્તા ડુબી જવાની, અને એ हस्तिपदमां सर्व पदं निमग्नं થાય એટલે માત્ર પ્રજાઓનું ઐક્ય બાકી રહ્યું તે થવાનું. Federationનો અંત પણ આ, અને Colonyનો અંત પણ આ – રોમમાં એ થયું હતું, જર્મનીનું થશે અને તમારું અમારું પણ એ જ થશે. તમારો પ્રવાહ આવા મુખમાં છે.”

શંકર૦ - “તમે એવા પ્રવાહોની ગતિને વ્યવહારદૃષ્ટિથી જોઈ શકતા નથી, તેમ પ્રવાહ પ્રવાહમાં પણ ભેદ છે તેનો વિવેક કરી શકતા નથી. ખરી વાત તે એ છે કે જર્મનીનું ઐકય નિત્ય કારણથી થયું નથી તેથી કારણને અભાવે ત્યાં કાર્યાભાવ થાય અથવા તમે ધારો છે એવું तृतीयं ક