પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨૮


કુમુદ૦– તો કુસુમ ! એ વાદળાંને વીખેરનારી પવનલહરી થઈ મ્હારી કુસુમ શું એની કુમુદને પ્રફુલ્લિત નહી કરે ? કુસુમ, ત્હારી કુમુદ સંસારની દૃષ્ટિયે કલંકિત થઈ છે, એ ફુલ હવે નિર્માલ્ય થયું છે, એનો સુગન્ધ એમાંથી લેવાઈ ગયો છે ને બીજા દેવને એક વાર ધરાવેલું નૈવેદ્ય આ મહાત્મા ધરશે તો લોકની દૃષ્ટિમાંથી એ મહાત્માનું માહાત્મ્ય ઉતરી જશે. કુસુમ, તું દોષહીન અણસુંઘ્યું કુસુમ એ મહાત્માનું માહાત્મ્ય સુરક્ષિત રાખવાને સમર્થ છે.

કુસુમ કંઈક વિચારમાં પડી હતી તે જાગી.

“કુમુદબ્હેન, એમાંનું કંઈ ન વળે. તમે કોઈ રીતે કલંકિત થયાં નથી, તમારાં હૃદય નંગકુંદન પેઠે જોડાયાં છે તે જોડાયલાં ર્‌હે તો જ મ્હારું હૃદય તૃપ્ત ર્‌હેશે. જો સંસાર તમારામાં કલક ન છતાં કલંક ગણે એવો અાંધળો છે તેનું કલ્યાણ કરવાનું તમારે કાંઈ કામ નથી ! એ સંસારની સાથે તમારે શી લેવાદેવા છે ? એ સંસાર એવાં કલ્યાણ પામવાને યોગ્ય જ નથી.”

કુમુદ૦- આવા મહાત્માના અલખ ગાનને પ્રકટ કરવાની લક્ષણવતી મોરલી શું મ્હારી કુસુમ નહી થઈ શકે ? મ્હારી અને મ્હારા ચન્દ્રની વચ્ચે અંતરાય નાંખનારી વાદળીને વીખેરનારી પવનની લ્હેર જેવી શું મ્હારી કુસુમ નહી થાય ?

કુસુમ૦– મ્હારે સુખનો તિરસ્કાર છે તેને તમારે સુખી કરવી છે, ને તમે દુ:ખી છો તેમણે દુ:ખમાં પડી ર્‌હેવું છે. સરસ્વતીચંદ્રને સુખી કરવાની શક્તિ મ્હારામાં નથી ને સંસાર જેને સુખ ગણે છે તે સુખ મને સુખી કરી શકે એમ નથી. હું જેવી છું તેવી જ પરમ સુખી છું.

કુમુદ૦– બ્હેન, તું સ્વાર્થી નથી ?

કુસુમ૦- જો સ્વતંત્ર ર્‌હેવામાં સ્વાર્થીપણું આવી જતું હોય તો એ સ્વાર્થ મને બહુ વ્હાલો છે.

કુમુદ૦- જો સ્વતંત્રતા તને પ્રિય છે તો આ મહાત્મા સંપૂર્ણ રીતે અાપશે.

કુસુમ૦– એ તો છોકરાં સમજાવવાની વાત છે.

કુમુદ – મ્હારી સાથે આવો આવો પ્રસંગ પડ્યા છતાં, અત્તરની શીશી ઉપર ડાટો વાસી રાખે તેમ, જેણે મને પવિત્ર રાખી છે તેને, હારી ઇષ્ટ સ્વતંત્રતામાં રજ પણ ન્યૂનતા થતાં, તે કંટક પેઠે સાલશે એવું શું તું ધારતી નથી ?