પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૦

કુમુદ૦– જે આ વાતનો તને કંટાળે હોય તે મ્હારું દુઃખ નિવારવા તું રાજી નથી ને મ્હારે હવે બીજી વાત શી કરવાની છે ? કુસુમ, આપણો સમાગમ આટલાથી પુરો થશે અને કુમુદ પરિવ્રાજિકામઠમાં કરમાતા સુધી ર્‌હેશે. જેનું કલ્યાણજીવન સફળ કરવાની મ્હારી છેલી આશા ત્હેં ધ્વસ્ત કરી છે તે મહાત્માએ સગી માતાને અભાવે સંસાર છોડ્યો, પ્રીતિ છોડી, મુંબાઈનગરી જેવું ઉત્કર્ષસ્થાન છોડ્યું, અને સંસારનું મહાકલ્યાણ કરવા તેણે ધારેલું છે ને સમર્થ છે તે મહાકલ્યાણ સુપાત્ર સહધર્મચારિણીને અભાવે ઈશ્વરને સોંપી દેઈ પોતે યદુશૃંગના બ્રહ્મચારી બાવા થઈને એ સુગન્ધવાળું ફુલ રણની ઉકળતી રેતીમાં ચીમળાઈ આયુષ્ય પુરું કરશે. હવે આ વિના બીજો માર્ગ તેમને પણ નથી ને મ્હારે પણ નથી.

કુસુમ૦– ને તમારી ધારણા પ્રમાણે હું વર્તું તો તમે તમારો જન્મારો કયાં પુરો કરશો ?

કુમુદ૦– મ્હારા અને મ્હારાં પવિત્ર દેવીના દુ:ખથી મ્હારા સસરાજી સંન્યસ્ત લેવા ધારે છે તેમને આશ્વાસન આપવા હું તેમને ઘેર જઈશ. મ્હારાં અલકબ્હેન અશિક્ષિત છે પણ ત્હારા જેવાં જ તીવ્ર અને ત્હારા જેવાં જ માયાળુ છે તેમની જોડે ત્યાં કાળક્ષેપ કરીશ. મ્હારાં દેવી ન્હાનો પુત્ર મુકી ગયાં છે તેને ઉછેરવામાં, વિદ્યા આપવામાં, અને સદ્ગુણી કરવામાં ત્હારા બનેવીના જીવનું શ્રાદ્ધ અને તર્પણ માનીશ. બાકીનો કાળ સુવર્ણપુરમાં રહી તમ દમ્પતીના સમારંભનો લાભ સુવર્ણપુરનાં કુટુમ્બોમાં પ્રસારવા યત્ન કરીશ અને મ્હારા સસરાજી તેમાં ધનથી અને રાજ્યથી આશ્રય આપશે. વર્ષમાં કંઈક કાળ ગુણીયલ પાસે, કંઈક ત્હારી પાસે, અને કંઈક ચન્દ્રાવલીબ્હેન અને મોહનીમૈયા જેવાંના સત્સમાગમમાં, ગાળીશ, અને યથાશક્તિ તેમને તમને સુવર્ણપુરમાં બોલાવીશ, બાકી મ્હારું આયુષ્ય જેટલો અવકાશ આપશે તે સર્વ કાળ સારા ગ્રન્થ જોવામાં અને પરમાત્માના ચિન્તનમાં ગાળીશ. કુસુમ, મ્હારું આયુષ્ય મ્હારા ચન્દ્રને અને તને કલ્યાણપ્રવૃત્તિઓમાં સફળ લોકયાત્રા કરતાં જોઈ નિવૃત્ત અને તૃપ્ત થશે, તમને બેને, ગુણીયલને, પિતાજીને અને મ્હારા શ્વશુરકુટુંબને સુખી જોઈ સુખી થશે, અને તને ક્હેલાં કાર્યમાં તમારા જેવી જ પ્રવૃત્તિ રાખતાં મ્હારા ચન્દ્રનો અહોનિશ ધ્યાનયોગ પામશે. ક્‌હે વારુ, એ પછી કુમુદનું આયુષ્ય સફળ કરવાને શું બાકી રહ્યું ?

કુસુમ૦- તમે જ શાસ્ત્ર ક્‌હાડ્યું છે કે પ્રીતિને આગળ કર્યા વિનાનું