પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૧


તમારું થયેલું લગ્ન સાધુજનો વાઞ્ચનાલગ્ન ગણે છે – ને મ્હારું એવું લગ્ન કરાવવા તમે ઉભાં થાવ છો તે શું ?

કુમુદ૦– એ પ્રીતિનું બીજ ત્હારામાં નથી એવું નથી.

કુસુમ૦– ખોટી વાત ! ખોટી જ વાત !

કુમુદ૦– ચન્દ્રકાન્તભાઈએ સરસ્વતીચંદ્રને ત્હારી કેટલીક વાતો કહી છે તેથી હું સમજી છું કે એ મહાત્મા રત્નનગરી આવ્યા હતા તે કાળે ત્હારે બાલભાવનો જે ઉમળકો એમના ઉપર બીજરૂપે વવાયો હતો ત્યાં ઈશ્વરે એકાન્તમાં પણ ઉચિત વૃષ્ટિ કરી છે ને એ બીજના અંકુર ફુટી નીકળ્યા છે. હું તમારો યોગ કરાવીશ ત્યારે એ અંકુર વિકાસ પામી પુષ્પફળ ધારવાને સમર્થ થશે.

કુસુમ૦– ચંદ્રકાંતભાઈ મ્હારા કાળજાની વાત શી સમજે ? બધાં સરસ્વતીચંદ્રનો દોષ ક્‌હાડતાં હતાં ત્યારે મ્હેં તેમનો જરી પક્ષ કર્યો એટલે કાકીએ ને બધાંએ એનો ગમે તેવો અર્થ કર્યો – તે સઉ ફોકટ.

કુમુદ૦– હેતુ વિનાનો પક્ષપાત તે જ સ્નેહ એવું સાધુજનો લક્ષણ ક્‌હે છે. એવો પક્ષપાત ત્હારા હૃદયમાં ઉદય પામ્યો છે એની શું તું ના ક્‌હે છે ? આપણા લોક ન્હાનાં બાળકોમાં વિવાહના વાગ્દાનકાળથી અાવો પક્ષપાત રોપાવાના પ્રસંગ આણે છે ને સપ્તપદીકાળે એ પક્ષપાત પરિપાક પામ્યો ગણી લગ્ન કરે છે – લોકની અધોગતિને લીધે તેઓ આ મર્મ સમજતા નથી ને આવા પ્રસંગે આણવાના યોગ્ય વિધિ કરતા નથી. ભગવાન્ મન્મથ સંકલ્પયોનિ છે અને આવા પ્રસંગોથી ઉત્પન્ન થયલા સંકલ્પ પરિપકવ કરવામાં આવે ને યોગ્ય વયે લગ્ન કરવામાં આવે તો સપ્તપદીની પ્રતિજ્ઞાઓ યથાર્થ રૂપે લેવાય એવું મ્હારા સ્વપ્નના નાગલોક ગણતા. એવા જ પ્રસંગોએ મ્હારી અને સરસ્વતીચંદ્રની પ્રીતિને પ્રકટ કરી, ને એવા જ પ્રસંગોથી ત્હારી પ્રીતિનાં બીજ રોપાયાં છે તે યોગ્ય વિધિથી પરિપાક પામ્યા વિના ર્‌હેવાનાં નથી.

કુસુમ૦– એ તમારું શાસ્ત્ર જે હો તે હો. પણ મ્હારામાં તે પ્રીતિ નથી જ. ને સામાપક્ષમાં તો એ પ્રીતિનું મૂળ પણ નથી એવું તમારે કહ્યા વિના ચાલે એમ નથી. કુમુદબ્હેન, ફોકટ ફાંફાં શાને મારતાં હશો ?

કુમુદ૦– ત્હેં જ લખ્યું હતું કે 'દેખ મછેન્દર, ગોરખ આયા' એવું તેમને ક્‌હેવાનો તારે અધિકાર છે.

કુસુમ, ખભા ઉંચા કરી, મ્હોં મરડી, બોલી, “વારુ ! એવું કહ્યું તેમાં