પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩૩


કુમદ૦– આ પણે આગળ વંટોળીયામાં છુટી ધુળ ઉડે છે ને કાંટાવાળા દીંટા ઉપર આ ગુલાબ બંધાઈ રહ્યા છે તે પણ વાથી હાલે છે, એ બેમાંથી સારું જીવન કેાનું ?

કુસુમ૦– મને આજ કાંઈ સુઝતું નથી. તમારે માથેથી ઉતરેલું ચક્ર મ્હારે માથે આવી બેઠું છે તેની વેદનામાં મને તમારું ગુલાબ પણ ગમતું નથી ને ધુળ પણ સુઝતી નથી.

કુમુદ– આ ધુળ છુટી છે તે સ્વતંત્રતાથી સુખમાં મ્હાલે છે ! ને ગુલાબ લોકનું કલ્યાણ કરવાને સરજેલાં છે તે બીચારાં આમ કાંટાઓ વચ્ચે બંધાઈ વીંઝાઈ રહ્યાં છે !

કુસુમ બોલી નહી.

કુમુદ૦– લોક ઘણું ખરું સ્વતંત્ર સુખ પાછળ દોડે છે તે આવા વંટોળીયામાં આ ધુળ પેઠે ગુંચવાય છે.–

કુસુમ૦– એ તો સત્ય.

કુમુદ૦– તેમાંનો સમજુ ભાગ સુખને સ્થાને સ્વતંત્રતા શોધે છે અને સમજુઓમાં પણ દૂરદર્શી હોય છે તે અન્ય સ્વતંત્રતાને સ્વચ્છંદ જેવી માને છે ને માત્ર ઉપાધિથી દૂર ર્‌હેવાની આ ઉપલા આકાશના જેવી સ્થિતિને જ સ્વતંત્રતા ગણી સંન્યાસ અથવા ત્યાગ શોધે છે.

કુસુમ૦– મ્હારે એ જોઈએ.

કુમુદ૦– એવા પણ જીવ છે કે જે જીવરાજ શેઠના પ્રવાસને સફળ કરવા તેમના ઉપાધિઓમાં ગુલાબ પેઠે બંધાઈ વીંઝાઈ ર્‌હે છે - પાણીમાં ને પવનમાં કમળ પેઠે ર્‌હે છે ! પણ કમળ ઉપર પાણી ર્‌હે ને હાથેલીમાં પારો ર્‌હે એમ ઉપાધિઓ ચારે પાસ તરવરવા છતાં આ જીવો એ ઉપાધિઓથી અસ્પૃષ્ટ ર્‌હે છે અને તે છતાં પોતાનો સમાગમ પામેલા પાણીને સુશોભિત અને સુગંધિત કરે છે અને પારાના વિષથી નિર્ભય રહી પારાનો લોકકલ્યાણકર પ્રયોગ કરે છે. કુસુમ ! સરસ્વતીચંદ્ર સ્વતંત્રતા ઇચ્છતા નથી પણ આવી અસ્પૃશ્યતાનું અને કલ્યાણવૃત્તિનું ધારણ કરે છે. જીવનમુક્તિ અને મનુષ્યધર્મનો સમાગમ આવી રીતે જ થાય છે. તું સંન્યાસની સ્વતંત્રતા ઇચ્છે છે. હું તને, સરસ્વતીચંદ્ર જેવી – ગુલાબ અને કમળ જેવી- થયલી જોવા ઇચ્છું છું. ત્હારી ઇચ્છા પ્રમાણે સર્વનો એક મત થશે તે પ્રમાણે સ્વીકારવા ત્હેં સમજીને હા કહી છે તો હવે શા માટે મુંઝાય છે ? તું ક્‌હેની કે તું સ્વતંત્ર રહી શું કરીશ ? ત્હારા આયુષ્યનો સુકાળ કેમ ગાળીશ ?