પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૩

નીકળે. આજ કાલ સુધરેલી પ્રજાઓ સર્વત્ર એક અંગીનાં અંગ થાય છે એટલી કથા તમે સ્વીકારો છે. પણ તે પ્રજા પ્રજારૂપે સંધાતી નથી અને આ દેશમાં તે સંધાવાની નહી.એ પ્રજાઓ, પ્રજાસત્તાક અથવા રાજસત્તાક રાજકીય દેહને ધારણ કરી, એ દેહદ્ધારા સંધાય છે. તમારી પ્રજાને રાજકીય દેહ ધરવાનો અવકાશ મળવો પરદેશી રાજ્યમાં અશકય છે. રાજકીય દેહવાળાં અમારાં સંસ્થાન, માથાવગરના ધડ જેવી - રાજકીય શિર વગરના કેતુ જેવી - તમારી પ્રજા સાથે, સંધાઈ શકે એ બનાવ કેવળ અશક્ય છે. અમે તમારી સાથે સંધાઈએ એવું જે તમારું સ્વપ્ન છે તે જાગૃત કાળને માટે નથી. તમારે અમારી ગરજને લીધે એ સ્વપ્ન તમને વ્હાલું લાગતું હશે. પણ અમે તમે સગોત્રી છીયે તેનું લગ્ન ઈંગ્રેજી રાજનીતિ થવા નહી દે.”

વીર૦ – “અમારી સાથે તેઓ તમારું લગ્ન નહી થવા દે; પણ તમારાં લુગડાંલત્તાં ક્‌હાડી લેઈ અમારી સાથે લંગોટીયા ભાઈબન્ધી કરી રમવાને મોકલી દેશે. હિમાચલ અને કન્યાકુમારી વચ્ચેના જોઈએ તેવડા મ્હોટા ક્ષેત્ર ઉપર આપણે ભાઈબંધી કરી ખેલીશું, ને આપણે લ્હડીયે નહી ને આનંદથી રમીયે એટલી સત્તા સરકાર વાપરશે. હીંદુસ્થાનમાં ઇંગ્રજોનું રાજ્ય રાજસત્તાક છે અને તેવાં રાજ્યોના રાજાઓ પ્રતિસ્પર્ધી સત્તાવાળા ઉમરાવોને પ્રજા જેવા કરી નાંખે છે તેનું ઇંગ્લાંડમાં જ દૃષ્ટાન્ત છે. પ્હેલા ચાર્લ્સનો કાળ આવ્યો ત્યારે ટ્યૂડર રાજાઓને બળે મેગ્ના કાર્ટાવાળા બેરનો ભૂમિભેગા થઈ ગયા હતા અને તેને સટે પ્રજાવર્ગરૂપ શેષનાગનાં મુખ્ય મુખ પેઠે હેમ્પેડન અને ક્રોમવેલ, એ સાપે માંડેલી ફણાઓના અગ્રભાગે, દોલાયમાન થતા હતા.”

શંકર૦ – “હવે એ યુગ વીતી ગયા. વિગ્રહકાળના અભિલાષોને સટે હાલ રાષ્ટ્રીયન્યાયના કાયદાઓ આગળ મુકુટધર મંડળનાં શસ્ત્ર સ્તમ્ભ પામે છે. અશ્રુતપૂર્વ અક્ષૌહિણી સેનાઓ મનુષ્યનાં સદ્‍ભાગ્યનું કચ્ચરઘાણ વાળવા યુરોપમાં ખડી થઈ છે, ત્યારે નય-વ્યવહાર (diplomacy)નું શબ્દબ્રહ્મ એ સેનાઓની માયાને સ્વપ્નના દંભ જેવી અકર્મકર કરી નાંખે છે. બીજા રાજ્યોના આ સર્વ સૈનિક દંભ વચ્ચે ઈંગ્રેજી રાજ્ય, આ નયવ્યવહારના સત્વનો વાવટો ઉરાડી, એ દંભના ખરચ-ખાડામાં ઉતરતું નથી. ત્યાં બેઠેલો આ શાંતિયુગ આખા જગતમાં બેસવા માંડ્યો છે, એ યુગનું અભિજ્ઞાન વધારે