પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૦


“મહાત્મા ! પ્રધાનજીના પિતા અને પ્રધાનજીનાં પત્ની આપના મુખોચ્ચારની વાટ જુવે છે તેમને શો સન્દેશ કહું ? ”

સર૦–મૈયા ! એમને ક્‌હેજો કે હું તે કન્થાધારી સાધુજન છું, આ શરીરને અર્થે જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થયું હતું અથવા થશે તે સર્વ લેાકયજ્ઞમાં વેરી નાંખવાની પ્રતિજ્ઞાથી બંધાઈ ગયો છું, અને રત્નનગરીના લક્ષ્મીમાન્ પ્રધાનજીનાં ભાગ્યશાળી ર્‌હેલાં પુત્રીનું ભાગ્ય મ્હારા ભાગ્ય સાથે જોડાશે તો તેમને સૌંદર્યોદ્યાન જેવા ભવ્ય આવાસમાંથી ઉતરી આવી પર્ણકુટીમાં ર્‌હેવાને પ્રસંગ આવશે તે દુઃસહ થશે ! પ્રધાનજીનાં એક પુત્રી મ્હારા દુશ્ચરિતથી ભાગ્યહીન થઈ ગયેલાં છે તે તેમનાં આ એક પુત્રીનું દૃષ્ટાંત પ્રત્યક્ષ છતાં એમનાં બીજાં પુત્રીના વિષયમાં મ્હારો હવે ફરી વિશ્વાસ કરવાનો પ્રસંગ પાડતાં તેમણે ઘણું વિચારવાનું છે તે સાવધાન રહી સર્વ અનુભવી વડીલ વર્ગે વિચારવું જોઈએ છીએ, અને તે પછી કુમુદસુન્દરીના હૃદયની આજ્ઞા અને કુસુમસુંદરીના હૃદયની ઇચ્છા એક થાય તો હું તો ગુરુજીની ઇચ્છાથી દૂર નથી.

ચન્દ્રા૦– યોગ્ય સન્દેશ ક્‌હાવ્યો. મહાશય, તમને આશીર્વાદ દેઈ હું જાઉં છું.

સર્વ ઉઠ્યાં. સરસ્વતીચંદ્ર પ્રણામ કરતો કરતો બોલ્યો. “ચન્દ્રાવલી મૈયા, આપ રસની અને ધર્મની અપૂર્વ ચેતન મૂર્તિ છો અને હું આપના મન્દિરમાં ઉપાસક પેઠે ઉભો છું તો આપની પાસે ર્‌હેલી આ બે પવિત્ર દીવીયોના દીપ મ્હારા અદક્ષિણ મુખપવનથી કમ્પે કે હોલાય એવું કરાવાનો પ્રસંગ ન આવવા દેશો. ”

“અસ્તુ” કહી ચન્દ્રાવલી ચાલી ગઈ. ચન્દ્રકાન્ત સ્તબ્ધ થઈ સઉ જોયાં સાંભળ્યાં કરતો હતો તે પોતાને માટેની પથારીમાં બેસી ગયો ને લાંબો થઈ સુઈ ગયો.

“સરસ્વતીચંદ્ર, હવે વિચારવાનું નથી, ચર્ચવાનું નથી, ને રાત્રિ પડી તે બ્હાર જવાનું નથી. માત્ર ફલાહાર કરી સ્વસ્થ નિદ્રા પામવાનું છે.”

આખી રાત બે મિત્રોએ બોલ્યા ચાલ્યા વિના ગાળી. ચન્દ્રકાન્તે આખી રાત્રિ એક અસ્વપ્ન નિદ્રા વડે પુરી કરી. સરસ્વતીચંદ્ર જરી નિદ્રા પામતો હતો, વળી જાગૃત થતાં કાંઈક સ્તવન કરતો હતો, અને વળી નિદ્રાવશ થતો હતો. માત્ર એક વાર સરસ્વતીચંદ્ર નિદ્રામાં અશ્રુપાત કરતો કરતો લવ્યોઃ “પુરુષ વજ્ર જેવો કઠણ છે ત્યારે સ્ત્રીની દયાનો પાર નથી. કુમુદસુંદરી ! તમે તમારો અભિમત પતિવ્રતાધર્મ પાળવાનો નિશ્રય છોડી સાધુ-