પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૧

જનનો બોધેલો ધર્મ સ્વીકારવા તત્પર થયાં તે શાથી ? માત્ર મ્હારા ઉપર પ્રીતિથી - અને મ્હારી આ સ્થિતિ જેવાની તમારી અશક્તિથી ! પવિત્ર માતાપિતાની અવગણના કરવા તત્પર થયાં - દેવી અને બુદ્ધિધન જેવી તમારા હૃદયની મૂર્તિઓને ભુલી જવા તત્પર થયાં, અપકીર્તિ અને હૃદયનું મર્મવેધન સ્વીકારવા ઉભાં થયાં - તે સર્વે શાને માટે ? હવે આવું વૈધવ્ય અને આ પરિવ્રજ્યા લેવાની તીવ્રતમ પ્રતિજ્ઞા કરી બેઠાં તે શાને માટે ? મ્હારું મનોરાજ્ય જોઈ સંસાર ઉપર તમારા હૃદયની કૃપા થઈ તે માટે, મ્હારા મનોરાજ્યની અનાથતા જોઈ શક્યાં નહી તે માટે, માતાપિતાની ઉદારતાની પરાકાષ્ઠા જોઈ આર્દ્ર થયાં તે માટે, ને કુસુમ જેવી બ્હેનની કુમારાવસ્થાનું કારણ - ઇંગિતથી જાણી - જોઈ શક્યાં નહી તે માટે ! સર્વથા એ જ તમારી સૂક્ષ્મતમ પ્રીતિનું મૂળ, એ જ તમારી આર્દ્રતા, કોમળતા, દયા ! એ દયાએ મ્હારી ને કુસુમ વચ્ચે તમારી પાસે આ દૂતીકર્મ કરાવ્યું ! એ દયાએ કુસુમનાં મ્હારે માટે સંવનન – પરિશીલન કરાવ્યાં ! કુમુદ ! તમે જ આર્યા છો. કુમુદસુંદરી ! આર્યતા તમે જ સમજ્યાં છો !” એવું લવતાં લવતાં એની રાત્રિ ગઈ. સર્વેની રાત્રિ ગઈ અને પ્રાત:કાળ થયો. લક્ષ્મીનંદન શેઠ અને ગુમાન દશેક વાગે આવે છે એવા સમાચાર મળ્યા. પ્હેલાં હરિદાસ આવ્યો, હર્ષનાં આંસુ ભર્યો “ભાઈ” ને ભેટ્યો ને સાથે પાઘડી લુગડાં આણયાં હતાં તે, અંચળો ક્‌હાડી, પ્હેરવા “ભાઈ” ને ક્‌હેવા લાગ્યો. સરસ્વતીચંદ્રે ચન્દ્રકાંત સામું જોયું. ચન્દ્રકાન્તે સ્મિત કરી કહ્યું - “ભાઈ, હવે ગુરુજીની આજ્ઞા છે તે સાધુતાના માનનો ત્યાગ કરો અને, કન્થાને અને પાઘડી લુગડાંને એક ગણી, તમારે માટે ઘેલા થયેલા પિતાને ડાહ્યા અને સુખી કરવાને માટે, હરિદાસનું કહ્યું સત્વર કરો.” કન્થાનો ત્યાગ કરી, સંસારનાં વસ્ત્ર પ્હેરતો પ્હેરતો સરસ્વતીચંદ્ર બોલ્યો - “હરિદાસ, પિતાશ્રીની પાસે હું આ વસ્ત્ર પ્હેરીશ ને અન્ય પ્રસંગે કન્થા પહેરીશ. તું આ કન્થાને રત્નપેઠે જાળવી રાખજે ને માગું ત્યારે આપજે !”

સર્વ શેઠને સામા લેવા ગયા, પિતા, માતા, અને પુત્ર, માર્ગ વચ્ચે ભેટ્યાં અને રોયાં અને અનેક હૃદયવેધક વાતો કરતાં કરતાં શેઠને માટે ઉભા કરેલા તંબુમાં ગયાં. સાધુજનોનાં ટોળેટોળાં સરસ્વતીચંદ્રનું રૂપાંતર જોવાને નીકળી પડ્યાં હતાં અને જ્યાં ત્યાં “અલખ,” “યદુનન્દન.” “વિષ્ણુદાસજી,” અને “નવીનચન્દ્રજી” ના જયની ગર્જનાઓ ઉઠી રહી હતી.

બે દિવસમાં વિદ્યાચતુર આવ્યો. બીજા બે દિવસમાં બુદ્ધિધન આવ્યો.