પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૩

વાતો કરતી હતી, અંતે કુમુદ પણ પાછી જવા નીકળી અને રથમાંથી ઉતરી ઉભી રહી ત્રુટતે સ્વરે બોલી.

“કુસુમ ! ચિન્તા ન કરીશ. હું ત્યાં આવતી રહીશ ને નીકર ત્હોયે સંસારનું આ રત્ન તને સોંપ્યું છે તેને જીવની પેઠે જાળવીને રાખજે, અને એ સદ્ભાગ્યની યોગ્યતા ત્હારામાં છે તે વધારજે !”

બે બ્હેનો એક બીજાને ખભે માથાં મુકી રોઈ. કુમુદ, સરસ્વતીચન્દ્રને ચરણે પડી, પડતી પડતી અને ચરણથી ઉઠતી ઉઠતી બોલી: “મહાત્મા ! આ સંસારની જાળમાં આપને નાંખ્યા છે તેટલા મ્હારા કાર્યની ક્ષમા કરજો. આ મ્હારી ગંગાના રત્નાકર સાગર થયા છો તે રમ્ય સમાગમથી તેનું અને સંસારનું પોષણ કરવા આપના સમગ્ર મનોરાજ્યને સફળ કરજો ને હું મ્હારી ગંગામાં યમુના પેઠે ભળવા અવશ્ય સજ્જ રહીશ. આપ ધર્મના સુજ્ઞ છો ને પ્રીતિરસમાં પૂર્ણ છો તો આ મેધાવિની પણ મુગ્ધાના હૃદયકોશને સાચવી સાચવીને ઉઘાડજો. બીજું શું કહું ? આપણાં સર્વ સ્વપ્ન મ્હેં આ મ્હારી બ્હેનનાં કરી દીધાં છે ! હું વિધવાએ પોતાનું ભાગ્ય શોધવું મુકી આ દિવ્ય કુમારિકાને માટે ઉઘાડું રાખ્યું છે, ને મ્હેં તો આપણી ચતુર્થ રાત્રિને પ્રભાતે આપના કપાળ ઉપર આપને જગાડવા હાથ મુક્યો હતો ત્યારે આપના સ્વપ્નમાં મ્હારો હાથ આપને આપની માતાનો લાગ્યો હતો – તે જ પ્રમાણે હવે હું આપનાં જાગૃત સ્વપ્નની માતા થઈ છું ! આપની સાથે જેયેલાં સ્વપ્ન, આપનું અને કુસુમનું માતૃકર્મ કરવામાં મ્હારાં પ્રિયતમ સાધન બની, મ્હારા હૃદયમાં ચિરંજીવ ર્‌હેશો ! આપને બેનો યેાગ રમણીય અને કલ્યાણકર થશે અને એ યોગનો યોગ પામી આર્ય સંસાર સમૃદ્ધ થશે એ આશાથી કુમુદનાં સર્વ દુઃખ અને કષ્ટ તપ અત્યંત સફળ થશે ! આટલે સુધી મ્હારે માટે – મ્હારી તૃપ્તિને માટે – આપે અને કુસુમે આટલી પરા આહુતિ આપી છે તે હવે વધારે માગવું તે અતિલોભ જ થાય.”

પગેથી ઉઠેલી કુમુદ શાંત અને સ્વસ્થ વૃત્તિથી ઉભી રહી ત્યાં સરસ્વતીચંદ્ર પોતાનાં આંસુથી ન્હવાતો ન્હવાતો ગદ્ગદ કંઠથી બોલવા લાગ્યો.

“કુમુદસુન્દરી ! ઘોર પાપ કરી મ્હેં તમને દુ:ખમાં નાંખ્યાં તેના બદલામાં અપૂર્વ પ્રીતિજીવનનું બલિદાન આપો છો અને અતિ ઉદાર પુણ્ય કરી તમે મ્હારા મનોરાજ્યને પાર પાડવાનાં દ્વાર ઉઘાડી આપ્યાં તે દ્વારમાં હું વજ્ર જેવા કઠણ હૃદયનો દુષ્ટ રાક્ષસ ઉભો રહું છું ! ઓ મ્હારી માતા ! તમે આ મ્હારી જનનીનું કામ કર્યું તો હું હવે તમારા દુષ્ટ પુત્રના અધિકારથી