પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૪

પગે પડી ક્ષમા માગવાને કહું છું કે कुपुत्रो जायेत क्कचिदपि कुमाता न भवति । તમારી ક્ષમા મને તમે મ્હારી માતા થઈને જ આપી, મ્હારું સ્વાસ્થ્ય અને સુવૃત્ત તમારા ઉદાર મનોબળથી જ તમે સાચવ્યું, અને જેટલાં જેટલાં મ્હેં તમને ક્રૂરમાં ક્રૂર દુઃખ દીધાં તેટલાં તેટલાં પરમ સુખ અને પરમ કલ્યાણ તમે મને સોગણાં વધારી આપ્યાં ! તમારાં માતુશ્રીની દક્ષતા અને તમારાં દેવીની ઋજુતા અને ઉભયની ઉદાર ક્ષમા તમારામાં મૂર્તિમતી થઈ, ને ચન્દ્રાવલીમૈયા પાસે સંસ્કાર પામી તમે હું અનાર્ય ઉપર અવર્ણનીય આર્યતા પ્રકટ કરી ! તો મ્હારા શિરને – મ્હારા ઉત્તમાંગને – ઓ મ્હારાં આર્યમાતા – આર્યતમા ! – આ મ્હારા અનાર્ય શિરને તમારા આર્ય ચરણના સ્પર્શનો અધિકાર આપો.”

આમ બોલતો બોલતો, બોલવાની શક્તિ બંધ થતાં આંસુથી ન્હવાઈ ગયેલો જ સરસ્વતીચંદ્ર કુમુદને ચરણે પડ્યો ને એનો ઉઠાડ્યો ઉઠ્યો.

“સરસ્વતીચંદ્ર : ઈશ્વરલીલાના ચમત્કારથી એક ભવમાં અનેક ભવ થાય છે તેમ મ્હારે તમારે થયું ! પણ સર્વ અવતારમાં – સર્વ ભવમાં – તમે મને તમારી કહી તે હું તમારી રહી છું ને રહીશ ! – ને મ્હેં તમને મ્હારા કહ્યા તે મ્હારા જ રહ્યા છો ને ર્‌હેજો ! હૃદયથી આપણે હતાં તેવાં સર્વથા સર્વદા એક જ છીયે અને આપણી બેની વચ્ચે આપણી બેની પરમ પ્રીતિનું સુપાત્ર આ મ્હારી – મ્હારી જીવનમૂર્તિ – મ્હારાં હૃદયનો આધાર - મ્હારી કુસુમ છે તે તેવી જ ર્‌હેશે અને એને એવી જ આપના હૃદયમાં રાખજો ! – કુસુમ, આ મહાત્માની તું અહોનિશ હૃદયપૂજા કરીશ તે કાળે સર્વદા આ ત્હારી પરોક્ષ બ્હેનને અવશ્ય સ્મરજે જ !”

બે બ્હેનો ફરી ભેટી.

“બ્હેન, તમે મુંબાઈ આવજો જ હાં ! હું હવે માતાપિતાથી અને તમારાથી વીખુટી પડું છું !”

“કુસુમ, ભર્ત્તા એ સ્ત્રીની પરમ ગતિ છે, ને તું આવા મહાત્માના હ્રદયમાં વસી તેની સેવા કરીશ અને તેમના મહાયજ્ઞોમાં સહધર્માચાર કરીશ ત્યારે માતા, પિતા, અને હું સર્વે સગાંની અને ત્હારી પોતાની પણ એમનામાં જ પ્રતિષ્ઠા કરી લેજે ! એમના વિના બીજા કોઈની ઝંખના કરી એમની સેવામાં પળવાર પણ ન્યૂનતા આણીશ નહીં ! હવે એ જ ત્હારું દૈવત છે અને એ પણ તને તેવી જ ગણશે ! એમનામાં ને ત્હારામાં હવે તું ભેદભાવ રજ પણ ગણીશ નહી ને એમની આરતી કરે ત્યારે કુમુદને તે માત્ર ઘંટા પેઠે ત્હારા હૃદયમાં વગાડજે !”