પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૫


પ્રકરણ ૫૨.
આરાત્રિક અથવા આરતી.
સુન્દર વેણ વાગી ! વેણ વાગી !
વેણ વાગી ને હું જાગી ! – સુન્દર૦
( પ્રસ્તાવિક )
નટવર વસન્ત થઈ નાચી રહ્યો રે !
નાચી રહ્યો ! જુગ નચાવી રહ્યો !
નટવર૦
( પ્રસ્તાવિક )
મને રાસ જોયાના કોડ, વ્હાલા !
મને રાસ રમ્યાના કોડ, વ્હાલા !
મને થેઈ થેઈ રાસ રમાડ, વ્હાલા !
( પ્રસ્તાવિક )

વાચનાર ! ઘણો લાંબો પ્રવાસ કરી આપણે પાછા મુંબાઈનગરીમાં આવીયે છીયે. કુસુમને લેઈ મુંબાઈ આવ્યે સરસ્વતીચંદ્રને એક વર્ષ પુરું થઈ ગયું. એમના ઉપર ગુણસુન્દરીના પત્રો આવતા તેથી એ આર્યાને આખા જન્મારાના મહાતપનું ફળ મળ્યું હોય એમ કુસુમના સુખથી અને કુમુદના સ્વાસ્થ્યથી, એના સુખનો પ્યાલો ઉભરાતો હતેા. રત્નનગરીમાં ગુણસુન્દરીનો કાળ હવે વિદ્યાનંદમાં નિર્વિઘ્ન જતો હતો ને પરદેશ પડેલી ભત્રીજીયોની વાતો સુન્દરભાભીજીના કાનમાં આખો દિવસ ખુશ ખુશ કર્યા કરતી તે વિના ગુણસુન્દરીને બીજી ચિન્તા કે કામ રહ્યું નહી. વિદ્યાચતુર રાજ્યકાર્યમાં રોકાયલો હોવાથી બહુ પત્ર લખી શકતો ન હતો; પણ જ્યારે જ્યારે કંઈ લખવાને અવકાશ મળતો અને એના પત્ર આવતા ત્યારે તે સુતા-જામાતાનાં કલ્યાણકાર્યની વૃદ્ધિના સમાચાર પુછાવતો ને પોતાના ભણીની અનુભવભરી સૂચનાઓ કરતો. સુન્દરગૌરી કુસુમ ઉપર પત્ર લખતી અને કાકીભત્રીજી વચ્ચે જુદી જાતની પણ ટપા-ટપી અને ટકોરો તો હજી સુધી ચાલ્યાં જ કરતી તે કુસુમ સરસ્વતીચંદ્રને વંચાવી વિનોદ આપતી હતી. સરસ્વતીચંદ્ર પાસે, શાસ્ત્રી ને સાધુજનો પાસે, ને મડમો પાસે પોતાનાં જ્ઞાન, કળાઓ, અને ઉચ્ચગ્રાહ વધતાં હતાં તેનું કુસુમ પોતાના ઉત્તરમાં સવિસ્તર વર્ણન માતાને ને બ્હેનને લખતી હતી.