પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૬


સુન્દરગિરિ ઉપર બુદ્ધિધન અને નરભેરામ બે આવ્યા હતા તે પાછા સુવર્ણપુર ગયા ત્યારે માર્ગમાં વાત નીકળતાં નરભેરામે કબુલ કર્યું હતું કે પ્રમાદધનને વિદ્યાચતુરની સૂચના પ્રમાણે રાખ્યો હત તો સુંદર ફળ નીવડત ને વિદ્યાચતુરને લાગ્યું હતું કે વધારે સૂક્ષ્મ ચતુરતા વાપરી હત તો ન્યાય થાત, પ્રમાદ સુધરી જીવત, ને કુમુદ સુખી થાત. કુમુદસુન્દરી સુવર્ણપુર ગયા પછી બુદ્ધિધને સંન્યાસનો વિચાર માંડી વાળ્યો; અને નણંદભોજાઈ – બુદ્ધિધન સ્વસ્થતાથી કારભાર કરે એમ તેની સંભાળ રાખવા – ને દેવીએ મુકેલા બાળકને રમાડી કલોલ કરવા – લાગ્યાં, અને એ બાળક મ્હોટો થાય તેમ તેમ તેની શી શી ચિન્તાઓ કરવી તે કદી કદી આજથી વિચારતાં. સંસ્કૃત અને ઈંગ્રેજી પુસ્તકોમાંથી અનેક જ્ઞાનવાર્તાઓ અને શૃંગાર વિનાના સર્વ વિષયો કુમુદસુન્દરી ઘરમાં બેસી વાંચતી, ને અનેક સ્ત્રીયો આવતી તેને સમજાવતી અને શીખવતી. થોડો કાળ એ ગુણસુન્દરી પાસે જઈ આવતી અને સુન્દરગિરિ ઉપર પરિવ્રાજિકાશ્રમની - તેમ સુભદ્રાના મુખ આગળ માતાના બેટમાં જઈ પોતાના, સરસ્વતીચંદ્રના, અને સંસારના કલ્યાણનું બીજ વાવનારી ચન્દ્રાવલીની - અતિથિ થઈ આવતી. એ પરમ સાધુજન પાસેથી એ નવા નવા ઉપદેશ આણતી ત્યારે કોઈ કોઈ વેળા અલકકિશોરી પણ એની સાથે જતી. હવે તો કુસુમનાથી છુટાં પડ્યે વર્ષ થવા આવ્યું ને કુસુમના પત્ર ઉપર પત્ર આવવા લાગ્યા, તેથી મુંબાઈ જઈ આવવાનું ઉઘાડું ધાર્યું. બાકી કુસુમનું સુખ, સરસ્વતીચંદ્રની સ્વસ્થતા અને જીવનસફલતા, કલ્યાણગ્રામના મનોરાજ્યના મહાયજ્ઞની જવાલાઓ અને તેનાં હોમહવનકાર્યની વૃદ્ધિ – એ સર્વ વિષયે સરસ્વતીચંદ્રના સ્વહસ્તાક્ષર સહિત કુસુમના બીજે ત્રીજે સવિસ્તર પત્ર આવતા. એ પત્રોમાંના સમાચારના વિષય પ્રત્યક્ષ કરવા એ બે જણ કુમુદને મુંબાઈ આવવા ફરી ફરી લખતાં હતાં. પોતાને પણ એ સમારમ્ભમાં ગંગા જેવી કુસુમનું યમુનાકૃત્ય કરવાનો અભિલાષ હતો તે સિદ્ધ કરવા મુંબાઈ જવાનો કુમુદના મનમાં ઘણા દિવસનો સંકલ્પ હતો તે આ પ્રસંગથી ઉઘાડો કરવાનું નિમિત્ત મળ્યું. કુમુદની સાથે અલકકિશેારીને પણ મુંબાઈ આવવા તેડાં થતાં હતાં અને તેને પોતાની સાથે મોકલવા કુમુદે શ્વશુર પાસે માગી લીધું હતું એટલે પોતાના ઘરમાં નવીનચંદ્ર થઈ ઠગ પેઠે વેશ ધારી રહી ગયલાને મ્હેંણાં દેવાને અલકે પણ ભાભીની સાથે મુંબાઈ જવાનું ધાર્યું.