પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૭


મુંબાઈમાં સરસ્વતીચંદ્રના કલ્યાણગ્રામની યોજના ચર્ચાઈ ચર્ચાઈને પુરી થવા આવી હતી, અને તેના “ટ્રસ્ટ” ના લેખ ઉપર પિતાપુત્રની સહીયો પણ થઈ ગઈ હતી. હવે મુંબાઈની ભરવસ્તીથી આધે સ્વચ્છ સુન્દર સ્થાને સમુદ્રની પાસે એ ગ્રામ માટે જગા વેચાતી રાખવાનો વિચાર ચાલતેા હતેા. કોટમાં સરસ્વતીચંદ્રની આફીસને માટે એક આખો પત્થરનો મ્હેલ રાખવામાં આવ્યેા હતેા – તેમાં લક્ષ્મીનંદનની “મીલ” ની “આફીસ” હતી, એના બીજા વ્યાપારની “આફીસ” હતી, અનેક દેશના વિદ્ધાનોને અને દેશભક્ત જનોને તેમ આ દેશના હિતચિંતક પરદેશીયોને એકઠાં મળવાને અને લોકહિતના વિચાર ચર્ચવાને માટે પણ એક “આફીસ” હતી. એ આફીસોનું નામ “કક્ષાઓ” પાડ્યું હતું, અને સૂત્રયંત્રકક્ષા, વ્યાપારકક્ષા અને સમાજકક્ષા નામેથી એ આફીસો ઓળખાતી હતી. આખા મ્હેલનું નામ “લક્ષ્મી-સરસ્વતી-વિલાસ-મન્દિર ” રાખ્યું હતું. એ મન્દિરના ગોપુરદ્વારને શિખરભાગે લક્ષ્મીનંદનની મુખાકૃતિ કોતરી હતી. એને પ્હેલે માળે એક આગલી કક્ષા કલ્યાણગ્રામના સ્થપતિઓ[૧]-architects – ને માટે હતી. વિદ્વાન્ દીર્ઘદર્શી સ્થપતિઓ તેમાં આખો દિવસ બેસી, નકશાઓ લેઈ યોજનાઓ કરતા ને આ કક્ષાને સામાન્ય મનુષ્યો ઈજનેરી આફીસને નામે ઓળખતાં. તેની જોડે એક બીજી કક્ષામાં કલ્યાણગ્રામના આશ્રમીયોને અને અંતેવાસીયોને માટે યોજનાઓ થતી અને તેમાં દેશદેશના અને ભાતભાતના સમર્થ વ્યાપારીયો અને વિદ્વાનો ભરાતા અને ચર્ચામાં ભળતા. સઉની પાછળ એક મ્હોટી કક્ષા સરસ્વતીચંદ્રને પોતાને બેસવાની હતી. તેમાં બે ખંડ હતા. તેમાંથી એકમાં પોતે બેસતો, અન્ય કક્ષાએાનાં કાર્યની નિરીક્ષા રાખતો, ને વિહારપુરી અને જ્ઞાનભારતી દ્વારા વિષ્ણુદાસજી સાથે જ્ઞાનમાર્ગનો પત્રવ્યવહાર રાખતો. બીજા ખંડમાં કુસુમ અને તેને મળવા આવનારી સ્ત્રીયો બેસતી. આ બે ખંડનાં પાછલાં દ્વાર સમુદ્ર ભણી પડતાં અને તેમની ને સમુદ્રની વચ્ચે કોઈ પડદો ન હતો. ગુમાન આવતી ત્યારે કુસુમની સાથે બેસતી ને કલ્યાણગ્રામની યોજનાઓ સમજતી. લક્ષ્મીનંદન આવતા ત્યારે નીચેની અને ઉપરની સર્વે કક્ષાઓમાં ફરતા અને દેખરેખ રાખતા, પણ એનું મુખ્ય ધ્યાન પુત્રના મહાકાર્યમાં વાપરવાનું સરવાયું જેવામાં હતું, અને એને પણ એ


  1. ૧. ઘર બાંધવાનું શાસ્ત્ર જાણનારા.