પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫૨

માનેલા પતિ–ઉર ભણી, નદી સમુદ્રમાં ધસે તેમ, ધસતી અધીરી બનેલી મુગ્ધા, લજજાને પ્રથમ છોડી, સુતેલા પતિના રાત્રિના કમળપુટ પેઠે બીડાયેલા અધરપુટ ઉપર પોતાના અધરને બીજી આરતી પેઠે ધરવા જાય છે ને એનું પોપચું કંઈક ઉઘડતું દેખે છે ત્યાં એને ચમકાવનાર શબ્દ પોતાની પાછળ સંભળાયો.

કુમુદ, આ સુખસ્વપ્નથી પોતાની મર્યાદા ભુલી જઈ ઉભી રહી હતી તે હજી વધારે ભુલી ને, તેનાથી હસી પડાયું. પરમ આનન્દનાં આંસુ તેની આંખોમાં આવી ગયાં ને મુખવડે મ્હોટેથી ક્‌હેવાઈ જવાયું, – ત્યાંથી તો તે પાછે પગલે ખસી ગઈ પણ ખસતાં ખસતાં યે ક્‌હેવાઈ જવાયું, – કે,

“ઘેલી મ્હારી કુસુમ !”




પ્રિય વાંચનાર ! પંદર વર્ષે આપણો સમાગમ હવે સમાપ્ત થાય છે. તું પુરુષ હો કે સ્ત્રી હો, સાક્ષર હો કે પ્રાકૃત જન હો, રાજા હો કે પ્રજા હો, શ્રીમાન હો કે રંક હો, ત્યાગી હો કે ભોગી હો, જુના સંપ્રદાયનો હો કે નવા વિચારનો હો – હો તે હો – સર્વથા તું જે હો તેને માટે યથાશક્તિ યથામતિ થોડી થોડી સામગ્રી આ ગ્રંથના કોઈક કોઈક પાનામાં તને મળી આવે, કે કંઈ પણ ભાવતું ભોજન ન મળવાથી કેવળ નિરાહાર પાછાં જવાનો વારો ત્હારે ન આવે, ત્હારે જોઈતા પદાર્થથી આવે સ્થાને બની શકે એટલી તૃપ્તિ એને એટલો બોધ અને બોધ નહી તો સૂચના ને સૂચના નહીં તો અભિલાષ - સ્થાન પણ તને આ ચાર ગ્રન્થોમાંથી મળી આવે, અને મનની જે વાતો પુછવાને ત્હારા મનને કોઈ અનુભવી, રસિક, કે જ્ઞાની સન્મિત્રની અપેક્ષા હોય એ વાતોનાં સમાધાન કંઈક કરવાને તને આ ગ્રંથો કોઈ સ્થાને કંઈ અંશે મિત્ર જેવા નીવડ્યા હોય, તો આપણી મિત્રતા અને ત્હારી સેવા કંઈક થઈ છે. એમ સમજાશે; અને તેનું શુભ ફળ ત્હારા આયુષ્યમાં કાંઈ પણ સુખનો અને કલ્યાણનો અંશ ભરશે તે આ લેખ સફળ થશે. એક નવલકથાનો લેખક તે કોઈનું એથી વધારે કલ્યાણ – શું કરી ! શકે ? – અથવા કરવાને અધિકારી હોઈ શકે ?