પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮


વિધાચતુર – “હાજી.એનો પણ હવે વારોજ આવ્યો છે.– વીરરાવજી, તમે દર્શાવો છો તે ભવિષ્ય દેશી રાજયોને શિર બેસે તો કાંઈ આશ્રર્ય જેવું મને લાગતું નથી. પણ ખરી વાત તો એ છે કે આપ ચારે વિદ્વાનોએ અમારા રજવાડાની જન્મકુંડલી રચવાનો પ્રયત્ન કર્યો, તે છતાં જ્યોતિ:- શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવાનો આરોપ આપને શિર કોઈ મુકે તો તમે સ્વીકારવાના નહી. એ શાસ્ત્રને નામે કે ભાગ્ય પ્રવાહને નામે કે લોકપ્રવાહના શાસ્ત્રને નામે આવા વર્તારા બાંધવા સ્‍હેલા છે, પણ તે કેવી રીતે ખરા પડશે તે કોઈથી ક્‌હેવાતું નથી, ઈશ્વરેચ્છાના મર્મ મનુષ્યબુદ્ધિથી અગમ્ય છે, અને ધર્મનો પાયો સત્ય ઉપર છે એ વાત જેવી સાચી છે તેમ એ પણ સાચી વાત છે કે મનુષ્યનો અધિકાર ભૂત અને વર્તમાનનાં કંઈક સત્ય જાણવામાં જ સમાપ્ત થાય છે, અને ભવિષ્યનાં સત્યનું દર્શન તો સ્વપ્રદર્શન જેવું મિથ્યા છે. આ સત્યસ્વપ્નપર પડતા દૃષ્ટિપાત તો Speculative છે - અન્ધકારમાં દૃષ્ટિ નાંખવા જેવું છે. આવાં સત્ય ઉપર અમારે વ્યવહારધર્મનો પાયો રચવો અયોગ્ય છે."

“ઐતિહાસિક પર્યેષણાના વિષયમાં આવાં સત્ય શોધવાં યોગ્ય છે, એ પર્યેષણા વીજળી પેઠે ચમકારા કરી અંધકારના પર્વતોની વચ્ચોવચ્ચ પળવાર પ્રકાશમયી ખીણો દર્શાવી દે છે, અને તેથી એ ખીણની એક પાસ રોકાઈ રહેલાઓને બીજી પાસ જવાનું દિગ્દર્શન થાય છે. આવાં દર્શનનો લાભ લેવો એ ગ્રંથકારો ને રાજાઓનો એક આવશ્યક ધર્મ છે, કારણ તે ઉભય દેશકાળનાં કારણ છે અને આવી સૂક્ષ્મ દૂરદૃષ્ટિ નાંખી, વર્તમાન દેશકાળને સ્થળે નવીન દેશકાલ ઉભા કરવા એ તેમનું કર્તવ્ય છે. રાજા અને ગ્રન્થકાર ઉભયનાં શસ્ત્ર પ્રારબ્ધવાદના વ્યવહારનું છેદન કરે તો જ તેઓ પોતાનું કર્તવ્ય કરી શકે. દેશને માથે પરરાજ્યની સેના ચ્‌હડી આવે, દુષ્કાળ આવે કે સાર્વભૌમ વ્યાધિચક્ર ફરવા માંડે, ત્યારે દેશકાળનાં ભાગ્યથી સંતુષ્ટ ર્‌હેતો રાજા નષ્ટ થાય છે, અને પ્રજાને માટે કેવળ પુરુષાર્થને માની આ આપત્તિયંત્રને છિન્નભિન્ન કરવા સર્વાંગી પ્રયત્ન કરનાર રાજા પ્રજાનું કલ્યાણ કરે છે અને રાજધર્મનું વિકટ ગૈારવ પાળે છે. અમારી પ્રજાનું કલ્યાણ કરવામાં અમારે આવી દૃષ્ટિ અને આવા પ્રયત્ન ધર્મ્ય છે.”

“પણ પ્રજાઓએ તો ધર્મિષ્ટ રાજાના રચેલા દેશકાળની મર્યાદામાં રહી એ દેશકાળના ધર્મ સાચવવાના છે; અને એ દેશકાળનાં ભૂત અને વર્તમાન સત્ય શોધી, એટલે સુધી પ્રારબ્ધવાદી થઈ, આ પ્રારબ્ધ મર્યાદામાં – રાજાની આજ્ઞામાં – આણમાં – રહી, પોતાનો પુરુષાર્થ