પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪

માથે અવશ્ય ઝઝુમે છે, અને એવાં અનેક રાજ્યોની ભેખડો નદીમાં પડવા માંડશે તેની સાથે થોડાં ઘણાંક સારાં રાજ્યો પણ તેમની સાથે વશે કે કવશે ઘસડાશે. ઉન્મત્ત જાદવોની જાદવાસ્થળીમાં કૃષ્ણ અને બળરામ ઘસડાયા, અને કૌરવો ભેગા ભીષ્મ ગયા તેવી સારાં રાજ્યોની પણ સ્થિતિ સમજવી, પોતાના સારાપણાના અહંકારથી તૃપ્ત ર્‌હેતાં રાજયોને આ ભય છે; રાજકીય વિષયોમાં છેટેના પાડોશીને ઘેર લાગેલી આગથી પણ બ્હીવાનુ છે, વીરરાવજીના વર્તારામાં આ ભયંકર સત્ય સમાયલું છે.”

“દેશી રાજાઓમાંથી અનીતિ અને દુર્ગુણ દૂર ર્‌હેશે એમ ધારો તો તેથી લાભ એ કે ચંદ્રકાંત ધારે છે એવી ઉદાત્તત્તા રાજાઓમાં ર્‌હેશે. પણ નીતિ અને સદાચાર ખાનગી કુટુંબોની સ્થિતિ જાળવવા બસ હશે; પરંતુ રાજાઓને માટે તે બસ નથી. રાજ-અંગમાં ધર્મરાજ યુધિષ્ઠિર હશે, તો દ્યૂતમાં દ્રોપદી ખોવા જેવી અતિ-પ્રતિજ્ઞાઓ કરશે અને બુદ્ધિહીન સત્યની પાછળ દોડશે.”

“રાજ–અંગમાં ધર્મની સાથે ભીમ અને અર્જુનની આવશ્યકતા છે, સદાચાર સાથે બળ અને કળાની આવશ્યતા છે. ચક્રવર્તીને યુદ્ધકાળે આશ્રય આપવા જેટલું બળ દેશી રાજાઓમાં નહી રહ્યું હોય તો તેમનું ક્ષત્રિયત્વ જાળવવા અતિ-યત્ન કરવાની સરકારને ગરજ નથી, અને રાજાઓ રાજા મટી સ્થાનિક અધિકારીઓ થઈ જશે. શાંતિકાળમાં ચક્રવર્તીના સામ્રાજ્ય સંબંધી વિચાર સમજવા રાજાઓમાં બુદ્ધિ નહી રહે, અને તે વિચારથી ઉત્પન્ન થયલા આચારમાં ચક્રવર્તીના અધિકારીઓની સાથે સાથે ચાલવા જેટલી રાજાઓમાં શક્તિ કે કળા નહી રહે, તો એ રાજાઓની પ્રજાઓ ઈંગ્રેજ-વણઝારાઓની પાછળ પાછળ ભમશે અને રાજાઓ સ્થાનિક અધિકારથી પણ ભ્રષ્ટ થશે અને ચંદ્રકાંતનો વર્તારો અક્ષરે અક્ષર સત્ય નીવડશે.”

“આવી અવસ્થા પામતાં રાજાઓ ઈંગ્રેજની દેશી પ્રજાઓ સાથે ભળી જઈ પોતાના ઉદાત્ત ગુણથી, એ પ્રજાઓનું ઉપરીપણું નહી જાળવે તો અનુદાત્ત અને આળસુ થઈ વીરરાવજીનો વર્તારો ખરો પાડશે. રાજત્વ ખોવાનો કાળ આવતાં ઉદાત્તત્વ પણ ન ખોવું પડે, અને ઇંગ્રજી રૈયતના શિર ઉપર રાજાઓની પ્રતિષ્ઠા રહે તો ઉદાત્તત્વની પણ દુર્ગતિ ન થાય, માટે જ–તેમ એક લોહીના અને પરસ્પરના ઉચ્ચાભિલાષમાં સંપત્તિવિપત્તિકાળે પરસ્પરનો આશ્રય ર્‌હેલો