પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સરદાર વલ્લભભાઈ


આ વર્ષે તો ખેડૂતોના હકની વાત કરનારા પંડ્યા કઠલાલમાં બેઠા હતા અને તેમની વાત સાચી લાગવાથી તેમને ટેકો આપનારા અને લડતને આગળ ધપાવનારા ગાંધીજી અને સરદાર હતા. અમલદારો શાણા હોત અને તેમણે સરકારને ખોટી સલાહ ન આપી હોત તો આ લડત ઊપડત જ નહીં. પૈસા ભરવાને અશક્ત એવા ખેડૂતોનું મહેસૂલ એ વર્ષે લેવાનું મુલતવી રાખે તો જેટલી રકમ બાકી રહે એટલી રકમના એક વરસના વ્યાજનું જ સરકારને નુકસાન હતું. પણ સરકારી અમલદારો એ રીતે વિચારતા નહોતા. તેમના મગજમાં તો એ તુમાખી ભરેલી હતી કે મહેસૂલની બાબતમાં અમે જે નિર્ણય કરીએ તે જ છેવટનો ગણાય. એની સામે વાંધો ઉઠાવનારા બીજા કોણ ? અમે સરકાર માબાપ છીએ, ખેડૂતનાં સુખદુઃખ અમે જાણીએ છીએ, ખેડૂતનાં હિત અમારે હૈયે વસેલાં છે. ખેડૂતના તરફથી વાતો કરનારા આ બીજા લોકો તો શહેરમાં રહીને વકીલાતનો અથવા બીજો ધંધો કરનારા રાજદ્વારી ચળવળિયા છે. એટલે આ લડતમાં મુદ્દો તો એ થઈ પડ્યો હતો કે ખેડૂતોના સાચા હિતેશરી કોણ ? સરકારી અમલદારો કે લોકસેવકો ? અને સરકારી અમલદારો કહે એ સાચું કે લોકો કહે એ સાચું ? સરકારી અમલદારોનો આક્ષેપ એ હતો કે, લોકો જે બોલે છે તે તો પેલા ચળવળિયાઓની શિખવણીથી અને ઉશ્કેરણીથી બોલે છે. લોકોનું કહેવું માનીએ તો એ ચળવળિયાની આબરૂ લોકોમાં વધે અને અમલદારની પ્રતિષ્ઠા ઓછી થાય. આમ સરકારી અમલદારોને પક્ષે આખી લડત તેમના મમતની, તેમણે માની લીધેલા પ્રતિષ્ઠાના ભૂતની હતી. લોકોને પક્ષે લડત એ હતી, કે પ્રજા સમસ્ત પોતાને વીતેલું કહે તે ખોટું અને સરકારી અમલદારો પૂરી હકીકત જાણ્યા વિના અને બરાબર તપાસ કર્યા વિના કહે તે ખરું, એમાં પ્રજાનું ભારે અપમાન હતું અને તેથી સ્વમાનની ખાતર તેમણે લડવું જોઈએ. નિષ્પક્ષ પંચનો ચુકાદો કબૂલ કરવા તેઓ તૈયાર હતા પણ સરકારી અમલદારો પંચની વાત કબૂલ રાખે તો તો એમની સત્તા શી રહે ? આમ સત્તા અને સત્ય વચ્ચેનો આ ઝઘડો હતો.

પંડ્યાજીએ કઠલાલના ખેડૂતો પાસે બેસતા વરસને દિવસે તા. ૧૫-૧૧-’૧૭ના રોજ અરજી કરાવી કે આ સાલ અતિવૃષ્ટિને લીધે જિલ્લામાં એકંદર પાક ચાર આનીથી કમી થયો છે માટે સરકારે મહેસૂલ લેવાનું મુલતવી રાખવું જોઈએ. આ અરજી જોઈને નડિયાદના મિત્રોનો એ અભિપ્રાય થયો કે અરજીમાં આખા જિલ્લાની હકીકત બહુ સારી રીતે રજૂ થાય છે માટે બની શકે તેટલાં વધુ ગામોથી અરજી મોકલવી. આ ઉપરથી ઘણાં ગામોથી અરજીઓ ઉપર સહીઓ લેવામાં આવી. નડિયાદ હોમરૂલ લીગની શાખા મારફત જુદા જુદા ગામના ૧૮,૦૦૦ ખેડૂતોની અને કઠલાલ હોમરૂલ લીગની શાખા