પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
સરદાર વલ્લભભાઈ

 “સરકાર વિદ્યમાન મામલતદાર તાલુકે ક૫ડવંજના સેજાના તલાટી પટેલને માલૂમ થાય જે ચાલુ સાલે કઠલાલ હોમરૂલ લીગ તરફથી લોકોને સરકારધારો નહીં ભરવા બાબત જાહેર ભાષણો કરી, જાહેરખબરો વહેંચી, અગર માણસો મોકલી સમજાવવામાં આવે છે. તે માટે નીચે મુજબનો સર્ક્યુલર ગામ-કામદારો તથા મતાદાર પટેલોની જાણ માટે કાઢવામાં આવે છે:

૧. સરકારધારો વસૂલ કરવા સંબંધી મહે. કલેક્ટર સાહેબ બહાદુરનો હુકમ તમારા તરફ મોકલવામાં આવ્યો છે. તેથી વસૂલ કરવાનો આંકડો હવે નક્કી થયો છે. તેમાં ફેરફાર થશે નહીં એવી લોકોને ગામમાં અને મુવાડામાં સાદ પડાવી સમજૂત કરવી અને જણાવવું કે હવે જો ધારો નહીં ભરવામાં આવે તો સખ્તાઈના ઇલાજો લેવામાં આવશે.
૨. મતાદારી કાયદા મુજબ મુલકી પાલીસપટેલ તથા મતાદાર પટેલો સરકારધારો મુદ્દતસર ન ભરે અને દાંડાઈ કરે તો નોકરી કરવા માટે નાલાયક ઠરાવી શકાય છે. . . . આ હુકમ પહોંચ્યેથી સાત દિવસમાં બાકી ન ભરી દે તો કાયદા મુજબ નોકરી માટે નાલાયક ઠરાવવા રિપોર્ટ વગરવિલંબે કરી મોકલવો.
૩. . . .જે લોકો સરકારધારો નહીં ભરવાની શિખામણ આપતા હોય એમનાં નામની નોંધ રાખી, તેમની બાકી હોય તો તે ચોથાઈ દંડ સાથે વસૂલ કરવા તાકીદે પત્રક ભરી મોકલવું.
૪. જે આગેવાન પાક થયા છતાં ભરતા નહીં હશે, તેમના સંબંધમાં જંગમ મિલકત જપ્ત કરવા હુકમ મંગાવવામાં દેર કરવી નહી.
૫. હોમરૂલ લીગ અગર બીજા કોઈ શખ્સ તરફથી સરકારધારો નહીં ભરવા સંબંધી જે સૂચના થાય તેની નોંધ રાખી તાલુકે રિપોર્ટ કરી મોકલવો.
૬. સરકારધારો નહીં ભરવા લોકોને શિક્ષણ આપવામાં આવે છે, માટે તમારે વસૂલાત કામમાં કાળજી રાખી, ધીરજથી મંડ્યા રહી કામ પાર ઉતારવું. જો ડરી જઈ આળસથી નોકરીમાં ગફલત કરશો તો શિક્ષાને પાત્ર થશો તે જાણવું.”

આ લડતની ઉત્પત્તિ કઠલાલ ગામથી થયેલી અને ત્યાંના લોકોએ અત્યાર સુધી બિલકુલ મહેસૂલ ભર્યું નહોતું તેથી ત્યાંના લોકોને લાલચમાં નાખી ફોડવાના હેતુથી મામલતદારે તા. ૮મી જાન્યુઆરીએ એક સર્ક્યુલર કાઢ્યો કે કઠલાલમાં જમીનમહેસૂલ તથા તગાવી અર્ધાં લેવામાં આવશે. પણ તેની કશી અસર થઈ નહીં.

ગુજરાત સભાના વ્યવસ્થાપક મંડળે પોતાના મંત્રીઓ તથા કેટલાક સભ્યોને ખેડા જિલ્લાના પાકની તપાસ કરવા ના. પારેખ તથા પટેલની સાથે ફરવા મોકલ્યા