લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
ખેડા સત્યાગ્રહ – ૧


હતા. તેમના હેવાલ ઉપરથી ગુજરાત સભાને લાગ્યું કે આપણા તરફથી પણ માફી અને મુલતવીની અરજી મુંબઈ સરકારને મોકલવી જોઈએ. તે મુજબ તા. ૧-૧-’૧૮ના રોજ મંત્રીઓની સહીથી એક અરજી મોકલવામાં આવી. ત્યાર પછી થોડા જ દિવસે ગાંધીજી અમદાવાદ આવ્યા. ખેડા જિલ્લાના પોતાને મળવા આવેલા ખેડૂતો તથા ગુજરાત સભાના સભ્યો સાથે મસલત કરીને તેમણે એવી સલાહ આપી કે મુંબઈ સરકારને કરેલી અરજીઓનું પરિણામ ન જણાય ત્યાં સુધી જમીનમહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની ખેડા જિલ્લાની પ્રજાને ગુજરાત સભાએ ખબર આપવી તથા એના પ્રતિનિધિઓએ ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટને રૂબરૂ મળી તેમની સાથે મસલત કરવી અને સઘળી પરિસ્થિતિ તેમને સમજાવવી. તે ઉપરથી ગુજરાત સભાની કારોબારીની મીટિંગ સરદારને ત્યાં બોલાવવામાં આવી. તેમાં બહુમતી તો ગાંધીજીની સલાહને વધાવી લેવા તૈયાર હતી. પણ સભાના જૂના અને પીઢ ગણાતા કાર્યકર્તાઓમાં રા. બ. રમણભાઈ, શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ, રા. સા. હરિલાલ દેસાઈભાઈ, શ્રી મૂળચંદ આશારામ શાહ, શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ વગેરે વિનીત વિચારના હતા. આવી સલાહનાં પરિણામની જવાબદારી લેવા તેઓ તૈયાર નહોતા. લોકોને ન્યાય ન મળે તો ગાંધીજી તો લોકોને મહેસૂલ ન ભરવાની લડત ઉપાડવાની પણ સલાહ આપે એમાં તેઓ સંમત નહોતા જ. એમના રાજકારણમાં સરકારને અરજીઓ કરવી, વિરોધની સભાઓ ભરી આંદોલન કરવું અને બહુ તો દુઃખી લોકોને શક્ય તેટલી રાહત આપવા પ્રબંધ કરવો એથી આગળ જવાપણું આવતું નહોતું. ગાંધીજીનો આગ્રહ એ હતો કે આ જાતનું પગલું દેશમાં તદ્દન નવું જ હોઈ ગુજરાત સભામાં સર્વાનુમતિ થાય તો જ તેણે ખેડૂતોને સલાહ આપવા બહાર પડવું જોઈએ. સભાની કારોબારીમાં પુષ્કળ ચર્ચા થઈ. સભ્યોમાંથી મોટા ભાગના વકીલો હતા એટલે તેમણે ઘણા મુદ્દા ઉઠાવ્યા. એક દિવસમાં નિર્ણય ઉપર ન આવ્યા એટલે બીજે દિવસે મળ્યા, પછી ત્રીજે દિવસે એમ આઠ દિવસ સુધી દર રોજ સાંજે સરદારને ઘેર બે બે કલાક સભા ચાલી. રોજ શી ચર્ચા થઈ તેની ગાંધીજીને સરદાર, દાદાસાહેબ તથા બચુભાઈ ખબર આપતા, સરદાર ગાંધીજીને કહેતા કે તમને બહુમતી મળે છે પછી શી હરકત? પણ ગાંધીજીએ સર્વાનુમતિ માટેનો આગ્રહ પકડી રાખ્યો. છેવટે શ્રી મગનભાઈ ચતુરભાઈ પટેલ સિવાય બીજા સૌ સભ્યો સંમત થયા કે અત્યારે આવી સલાહ આપવામાં હરકત નથી. શ્રી મગનભાઈને તો સરકારના ઠરાવની વિરુદ્ધ જઈને ખેડૂતને થોડા વખત માટે પણ મહેસૂલ ભરવાનું મુલતવી રાખવાની સલાહ આપવામાં અંત:કરણનો બાધ લાગતો હતો. વળી એક વાર ખેડૂત સરકારને મહેસૂલ ન ભરવાને ચાળે ચઢે તો પછી બીજે દિવસે જમીનના માલિકને ગણોત આપવાની પણ ના